કચ્છ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કોઠારા પોલીસ દ્વારા વ્યાજખોરીના કેસમાં સંડોવાયેલા આરોપીઓના ઠેકાણાઓ પર સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
કરોડોની રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત
પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓ આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરાના ઘરેથી અધધ કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 1 કરોડ 24 લાખની રોકડ રકમ તેમજ અંદાજે રૂપિયા 1 કરોડના કિંમતી સોના-ચાંદીના દાગીના સફળતાપૂર્વક કબજે કર્યા છે.

દસ્તાવેજો અને બેન્ક ચેક્સનો મોટો જથ્થો મળ્યો
આરોપીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી રીતે ચલાવતા તેની પોાલ ખોલતા પોલીસને તપાસમાં વિપુલ પ્રમાણમાં પુરાવા મળ્યા છે. સ્થળ પરથી 72 બેન્કની પાસબુક, 77 બેન્કના ચેક, 74 ચેકબુક અને 35 જેટલા મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ઉપરાંત, અલગ-અલગ પેઢીના 11 સ્ટેમ્પ અને મિલકતની 9 ખાતાવહીઓ પણ પોલીસે કબ્જે કરી છે. પોલીસે આ તમામ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ. 2,25,79,120 નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધિરાણ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ પાસે કોઈપણ પ્રકારનું કાયદેસરનું લાયસન્સ ન હોવા છતાં તેઓ જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપતા હતા. બાદમાં પઠાણી ઉઘરાણી કરી ગરીબ કે મજબૂર લોકો પાસેથી તેમની કિંમતી મિલકતો તેમજ સોના-ચાંદીના દાગીના બળજબરીપૂર્વક પડાવી લેતા હતા.

કચ્છમાં ગેરકાયદે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા નાગરિકો માટે પશ્ચિમ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કોઠારા પોલીસે બિનઅધિકૃત રીતે નાણાં ધીરનાર વ્યાજખોરો સામે ‘સર્ચ એન્ડ સીઝર’નું મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આરોપીઓ 10 ટકા જેવા ભારે વ્યાજે નાણાં આપી લોકોની કિંમતી જમીનો, વાહનો અને ઘરેણાં પડાવી લેતા વ્યાજખોરો પાસેથી 2 કરોડ 24 લાખનો મુદામાલ કબજે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
10 ટકાનું ઊંચા વ્યાજ
અબડાસાના કોઠારા ગામમાં વાણંદ કામ અને ખેતી કરતા જાવેદ હજામ નામના યુવાને વર્ષ 2021 માં જરૂરિયાત ઊભી થતા આમદ મંધરા પાસેથી 10 ટકાના ઊંચા વ્યાજે 4.50 લાખ રૂપિયા લીધા હતા. સમયસર વ્યાજ ન ચૂકાતાં આમદ મંધરા અને તેના ભાઈ ઓસમાણ મંધરાએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
આરોપીઓએ જાવેદ અને તેના પિતાની 50 લાખની કિંમતની 6 એકર જમીન બળજબરીથી સાટાકરાર કરાવી, ચેક બાઉન્સ કેસમાં જેલમાં પુરાવી દેવાની ધમકી આપીને પોતાના નામે કરાવી લીધી હતી. પીડિત જાવેદે પોતાની ખેતી-દુકાનની આવક અને ઘરના દાગીના વેચીને કુલ 36.48 લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ જમીન ત્રીજા શખ્સને વેચી દીધી હતી અને સ્વિફ્ટ કાર પણ પડાવી લીધી હતી. આ મામલે ફરિયાદીએ આરોપી સામે કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અનેક લોકોના દસ્તાવેજ મળી આવ્યા
આરોપીઓ પાસે નાણાં ધીરધારનું કોઈ કાયદેસરનું લાયસન્સ ન હોવા છતાં, તેઓ જરૂરિયાતમંદ લોકોને 10 ટકા જેવા ખુબ જ ઊંચા દરે વ્યાજે નાણાં આપતા હતા. ત્યારબાદ વ્યાજ કે મૂળ રકમ પરત ન ચૂકવી શકે ત્યારે ધાક-ધમકીઓ કરી, સહી વાળા કોરા ચેક, સી-ફૂડના સ્ટેમ્પ, વાહનોના સાટા કરાર તથા લોકોની કિંમતી ખેતીની જમીનો અને સોના-ચાંદીના ઘરેણાં બળજબરીથી પોતાના કે પોતાના કૌટુંબિક સગાઓના નામે કરાવીને પડાવી લેતા હતા.
હાલ પોલીસના હાથે ઝડપાયેલા આરોપી પાસેથી અનેક લોકોના દસ્તાવેજ મળી આવ્યા છે. જે મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. આ સાથે સાથે પશ્ચિમ કચ્છ પોલીસે અન્ય કોઈ વ્યક્તિ પણ વ્યાજખોરીનું ભોગ બન્યું હોયતો તેવા લોકોને પોલીસ ફરિયાદ કરવા અપીલ કરી છે. આ મામલે હજુપણ આરોપી સામે વધુ કેટલીક ફરિયાદો નોંધાઇ તેવી શકયતા છે. હાલ પોલીસે કબ્જે કરેલા તમામ દસ્તાવેજ આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
