કચ્છ જિલ્લામાં ફરી કોઈ મોટી ચોરીને અંજામ આપવા માટે આવેલા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુખ્યાત ‘ચડ્ડીધારી ગેંગ’ના સભ્યો આખરે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. તેઓ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે મોટી બાતમીના આધારે તેમની ધરપકડ કરી લીધી છે.
ફિલ્મીઢબે ઝડપાયા આરોપીઓ, કારમાંથી મળ્યા 6 લાખ રોકડા
પશ્ચિમ કચ્છ LCBની ટીમે તુતરા ફાટક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી કારને રોકીને તલાશી લીધી હતી. કારની અંદર બનાવેલા ગુપ્ત ખાનામાંથી 6 લાખ રૂપિયા રોકડા તેમજ ગણેશિયા, કટર અને ડિસમીસ જેવા ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.
અનોખી મોડસ ઓપરેન્ડી, તેલ લગાવીને કરતા હતા ચોરી
આ ગેંગની કામ કરવાની પદ્ધતિ અત્યંત ચોંકાવનારી હતી. તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગૂગલ મેપ દ્વારા હાઈવે નજીકની પોશ સોસાયટીઓ અને ફેક્ટરી ક્વાર્ટર શોધતા હતા. દિવસ દરમિયાન ટાર્ગેટની રેકી કર્યા બાદ રાત્રે ઝાડીઓમાં 4થી 5 કલાક સંતાઈ રહેતા. ચોરી કરતી વખતે તેઓ શરીર પર માત્ર ચડ્ડી પહેરતા અને આખા શરીરે તેલ લગાવતા, જેથી કોઈ પકડવાનો પ્રયાસ કરે તો તે લપસીને ભાગી શકે. જો કોઈ જાગી જાય તો તેઓ ગણેશિયા જેવા હથિયારથી હુમલો કરતા હતા.
ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ફેલાયેલું છે ગુનાહિત નેટવર્ક
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગેંગનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત ન હોવાનું સામે આવ્યું છે. તેમણે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં પણ અનેક ચોરીઓને અંજામ આપ્યો છે.
- કચ્છના વિસ્તારો: વાયોર, કોઠારા, નલિયા, પદ્ધર, માધાપર અને માંડવી.
- અન્ય રાજ્યો અને શહેરો: વડોદરા-નડિયાદ રોડ, ભાવનગર, અમરેલી (ચિતલ), અમદાવાદ (સાયન્સ સિટી), કર્ણાટકનું હુબળી, મધ્યપ્રદેશનું છિંદવાડા અને રાજસ્થાનનું કોટા.
200થી વધુ CCTV ફૂટેજ તપાસીને પકડ્યા
આ ઓપરેશનને સફળ બનાવવા માટે પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં 200થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને સુનીલ પરમારને મળેલી સચોટ બાતમીના આધારે આ સફળતા મળી છે. પકડાયેલા મુખ્ય આરોપી માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયાને પકડવા માટે મધ્યપ્રદેશ પોલીસે 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
ઝડપાયેલા આરોપીઓની યાદી
- માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયા (મુખ્ય સૂત્રધાર)
- દિનેશ ભેરુલાલ ચૌહાણ
- સ્વરૂપ સિંહ ભગુસિંહ અલાબા
- શકુર બનસિંહ આમરીયારા
- મોહબત ઉડુ મંડલોઈ
હાલ પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે અને વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: Kutchના જખૌ દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોનું સઘન ચેકિંગ: સીધોડી બીચથી શિયાળબારી સુધી પેટ્રોલિંગ તેજ
