ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જીમી એન્ડરસનની ક્રિકેટ કારકિર્દી હવે અંત તરફ જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. કાઉન્ટી ક્લબ લૅન્કશાયરે 2027ની સીઝન માટે એન્ડરસનને નવો કોન્ટ્રાક્ટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે સવાલ ઊભો થયો છે કે 44 વર્ષનો આ દિગ્ગજ બોલર બીજી કોઈ ટીમ સાથે રમવાનું ચાલુ રાખશે કે પછી ક્રિકેટને અલવિદા કહેશે. એન્ડરસન લાંબા સમયથી લૅન્કશાયન સાથે જોડાયેલો છે. તેણે 2002માં આ ક્લબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે પોતાના પ્રદર્શનથી ટીમમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેણે કાઉન્ટી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. 2026ની સીઝનમાં તો તેણે લૅન્કશાયરની કેપ્ટનશિપ પણ કરી હતી.
ગયા વર્ષે 50 વિકેટ લીધી હતી
એન્ડરસનનું પ્રદર્શન ઉંમર વધવા છતાં સારું રહ્યું છે. તેણે 2025ની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 50 વિકેટ લીધી હતી અને ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેના અનુભવ અને બોલિંગની ક્ષમતાને કારણે તે લૅન્કશાયન માટે મહત્ત્વનો ખેલાડી રહ્યો હતો. જોકે, આ પ્રદર્શન છતાં ક્લબે 2027ની સીઝન માટે તેની સાથે નવો કરાર ન કરવાનો નિર્ણય લીધો છે. હવે એન્ડરસન સામે બે રસ્તા છે. તે બીજી કોઈ કાઉન્ટી ટીમ સાથે કરાર કરીને રમવાનું ચાલુ રાખી શકે છે અથવા તો ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી શકે છે. અહેવાલો પ્રમાણે, બીજી ટીમ સાથે કરાર કરીને રમવાનું ચાલુ રાખે તેવી શક્યતા ઓછી છે. જોકે, તેના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય હજી સ્પષ્ટ થયો નથી.
ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મોટો રેકોર્ડ
જીમી એન્ડરસનનું નામ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ ફાસ્ટ બોલરોમાં લેવામાં આવે છે. તેણે ઇંગ્લેન્ડ માટે 188 ટેસ્ટ મેચ રમીને 704 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ફાસ્ટ બોલર દ્વારા લેવામાં આવેલી આ સૌથી વધુ વિકેટ છે. તેની સ્વિંગ બોલિંગે વર્ષો સુધી દુનિયાભરના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. એન્ડરસને 2003માં ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ બે દાયકાથી વધુ સમય સુધી તેણે ટીમ માટે બોલિંગ કરી. તેણે જુલાઈ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, તે પછી પણ તેણે લૅન્કશાયન માટે રમવાનું ચાલુ રાખ્યું હતું.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એન્ડરસનના નામે 1,193 વિકેટ છે. આ ઉપરાંત તેણે વન-ડે ક્રિકેટમાં 358 અને T20 ક્રિકેટમાં 71 વિકેટ લીધી છે. આ આંકડા તેની લાંબી અને સફળ કારકિર્દી દર્શાવે છે. લૅન્કશાયનના નિર્ણય બાદ હવે એન્ડરસન શું કરશે તેના પર ક્રિકેટ ચાહકોની નજર છે. જો તે બીજી ટીમ સાથે નહીં જોડાય અને નિવૃત્તિ લેવાનો નિર્ણય કરશે, તો ક્રિકેટના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંના એકની કારકિર્દીનો અંત આવી શકે છે.
આ પણ વાંચો: Virat Kohliનો મુંબઈ એરપોર્ટ પર સ્વેગ, પાપારાઝીને પૂછ્યું- ‘ઔર કિતની દેર રુકું?’
