દેશના લાખો ઘરેલુ એલપીજી (LPG) ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબરથી ઘરેલુ ગેસ સિલિન્ડરના બુકિંગ અને સબસિડીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર અને તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા લેવાયેલા આ કડક પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સબસિડી વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો અને નકલી કે ડુપ્લિકેટ કનેક્શનોને અટકાવવાનો છે, જેથી સાચા અને લાયક લાભાર્થીઓના બેંક ખાતા સુધી જ સબસિડીના નાણાં પહોંચી શકે.
બાયોમેટ્રિક પ્રમાણીકરણ (BAA) ફરજિયાત
નવા નિયમો અનુસાર, જો ગ્રાહકોએ નિશ્ચિત ભાવે સબસિડીનો લાભ મેળવવો હોય તો બાયોમેટ્રિક પ્રમાણીકરણ (BAA) કરાવવું અનિવાર્ય છે. જો કોઈ ગ્રાહક નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેઓ ભવિષ્યમાં ગેસ સબસિડી ગુમાવી શકે છે અને તેમને બજાર કિંમતે મોંઘા સિલિન્ડરો ખરીદવાની ફરજ પડી શકે છે. જો કે, સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અગાઉના અભિયાન દરમિયાન જેમણે ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરી લીધું છે, તેવા મોટાભાગના ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી; તેમના સિલિન્ડર અને સબસિડી અગાઉની જેમ જ ચાલુ રહેશે.
બુકિંગ વચ્ચેનું સમય અંતર બદલાયું
સબસિડી અને વેરિફિકેશનના નિયમ ઉપરાંત, સરકારે રિફિલ બુકિંગ વચ્ચેના સમયના અંતરમાં પણ ફેરફાર કર્યો છે. હવે શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રના ગ્રાહકો અગાઉના સિલિન્ડર બુક કર્યાના પૂરા ૨૫ દિવસ પછી જ પોતાનો આગામી સિલિન્ડર બુક કરાવી શકશે.
જો નિયમનું પાલન ન થાય તો શું થશે?
જો ગ્રાહકો આ બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમનો ગેસ પુરવઠો સીધો બંધ કરવામાં આવશે નહીં, પરંતુ તેઓને સબસિડીવાળા નિશ્ચિત ભાવે સિલિન્ડર નહીં મળે. તેમને બજારમાં પ્રવર્તમાન ઊંચી કિંમતે જ સિલિન્ડર ખરીદવો પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને એવા કનેક્શન પર નિયંત્રણો લાદવાની સૂચના પણ અપાઈ છે.
પ્રમાણીકરણ કેવી રીતે કરવું?
આ બાયોમેટ્રિક પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે અને તેને નીચે મુજબની કોઈપણ સરળ પદ્ધતિથી પૂર્ણ કરી શકાય છે:
1. ડિલિવરીમેન દ્વારા: જ્યારે ગેસ સિલિન્ડરની ડિલિવરી આપવા માટે કર્મચારી ઘરે આવે, ત્યારે તમે તેમના ડિવાઇસ પર ફિંગરપ્રિન્ટ અથવા બાયોમેટ્રિક સ્કેન કરાવી શકો છો.
2. ડિસ્ટ્રિબ્યુટરના શોરૂમ પર: તમારા ગેસ કનેક્શનના કાગળો સાથે નજીકની ગેસ એજન્સી પર જઈને આ પ્રક્રિયા પૂરી કરી શકાય છે.
3. મોબાઇલ એપ દ્વારા ઑનલાઇન: સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઘર બેઠા જ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ આ પ્રક્રિયા કરી શકાય છે, જેના માટે સંબંધિત એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની રહે છે.
આ પણ વાંચોઃ Pakistan: 200 કે 500 નહીં પણ 1,000 રૂપિયે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ, સરકાર ચિંતામાં
