Lucknow: મોડેલ શ્રદ્ધા દુબેના ક્રૂર કરતૂતો, કેફે સંચાલક શિવા શર્મા હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા

📅 Published: November 2, 2026 | 📂 Category: Crime

લખનઉના કેફે સંચાલક શિવા શર્મા હત્યા કેસમાં ધરપકડ કરાયેલી મોડેલ શ્રદ્ધા દુબે અને તેના સાથીઓની પોલીસ પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મુખ્ય આરોપી શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ અને ડ્રાઇવર તનવીર ઉર્ફે દાનિશ દ્વારા શિવાને હત્યાના દિવસે અમાનવીય શારીરિક તેમજ માનસિક યાતનાઓ આપીને કલાકો સુધી ભારે અપમાનિત કરવામાં આવ્યો હતો.

કપડાં ઉતરાવી આખા શરીર પર લિપસ્ટિક ચોપડી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શ્રદ્ધાએ શિવા શર્માને અપમાનિત કરવા માટે તેના કપડાં ઉતરાવી દીધા હતા અને તેના આખા શરીર પર લિપસ્ટિક ચોપડી દીધી હતી. ત્યારબાદ શ્રદ્ધાએ પોતાની બહેન રશ્મિ, સાથી આમિર અને ડ્રાઇવર દાનિશની હાજરીમાં લાચાર વેપારી શિવાને બળજબરીથી નાચવા માટે મજબૂર કર્યો હતો. 

શિવા પાસે પોતાના પગ પણ દબાવડાવતી હતી

આ ચારેય આરોપીઓએ મળીને શિવાને કલાકો સુધી ત્રાસ આપ્યો હતો. પૂછપરછમાં શ્રદ્ધાએ કબૂલ્યું કે તે શિવાનો માત્ર ઉપયોગ કરતી હતી અને શિવા સંપૂર્ણપણે તેની જાળમાં ફસાયેલો હતો. શ્રદ્ધા શિવા પાસે પોતાના પગ પણ દબાવડાવતી હતી. 

શિવાના વાંધાજનક વીડિયો પોતાની પાસે રાખ્યા

આ ઉપરાંત શ્રદ્ધાએ શિવાના વાંધાજનક વીડિયો પોતાની પાસે રાખ્યા હતા, જેના આધારે તે તેને બ્લેકમેઇલ કરતી હતી.

વગદાર હસ્તીઓ સાથેની પાર્ટીઓની તસવીરો

પોતાના પ્રભાવનો ડર બતાવવા શ્રદ્ધા મોટા અધિકારીઓ અને વગદાર હસ્તીઓ સાથેની પાર્ટીઓની તસવીરો બતાવતી હતી, જે તેણે પેન ડ્રાઇવમાં સાચવી રાખી હતી. શ્રદ્ધા આ તસવીરો અને વગના જોરે લોકો પર રોફ જમાવતી હતી અને તેણે એક વગદાર વ્યક્તિના નામનો ઉપયોગ કરીને હજરતગંજ પોલીસ મથકે એક એફઆઇઆર પણ નોંધાવી હતી.

ધનિક પરિવારોના લોકોને ફસાવવા માટે ટાર્ગેટ

તપાસ મુજબ શ્રદ્ધા દરરોજ રાત્રે વિભૂતિ ખંડ સ્થિત કિસાન બજારના કેફેમાં પોતાની ટોળી સાથે જતી હતી. ત્યાં તે હુક્કો પીતી અને ધનિક પરિવારોના લોકોને ફસાવવા માટે ટાર્ગેટ નક્કી કરતી હતી. શિવા શર્મા સાથે પણ તેની પ્રથમ મુલાકાત આ જ કેફેમાં થઈ હતી અને શ્રદ્ધાના સોશિયલ મીડિયા પર મોટાભાગના ફોટા એ જ કેફેના છે. શ્રદ્ધાની ધરપકડ બાદ કેફે સંચાલક દુકાન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જ્યારે શિવાને નેપાળ ભગાડવામાં મદદ કરનાર આરોપી આમિર પણ ફરાર છે.

આરોપીઓની ન્યાયિક કસ્ટડી 13 નવેમ્બર સુધી લંબાવી 

ન્યાયિક પ્રક્રિયા હેઠળ સીજેએમ કોર્ટમાં જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોડેલ શ્રદ્ધા દુબે, બહેન રશ્મિ દુબે અને ડ્રાઇવર તનવીર અલી ઉર્ફે દાનિશની રજૂઆત કરાઈ હતી. કોર્ટે ત્રણેય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 13 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. સુનાવણી દરમિયાન શ્રદ્ધાએ અદાલત સમક્ષ વિનંતી કરી હતી કે તેને જેલમાં વકીલને મળવા માટે અઠવાડિયામાં વધુ સમય આપવામાં આવે. જોકે, જ્યારે તેણે પોતાને શારીરિક રીતે કોર્ટમાં રજૂ કરવાની માગ કરી અને અદાલતે તેનું કારણ પૂછ્યું ત્યારે શ્રદ્ધાએ મૌન ધારણ કર્યું હતું. અદાલતે સ્પષ્ટ કર્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે જ તેને કોર્ટમાં રૂબરૂ બોલાવવામાં આવશે. 

આ પણ વાંચો :   Rajkot: હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં 40 કલાક બાદ પણ તપાસના નામે મીંડું, વગદારોને બચાવવાના આક્ષેપ

                                


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *