Mahesana : UGVCL ની વિદ્યુત સહાયક ભરતીમાં જગ્યાઓ વધારવા મુદ્દે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર

📅 Published: November 23, 2026 | 📂 Category: gujarati-news

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાથ ધરાયેલી વિદ્યુત સહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવા અને ખાલી પડેલી મંજૂર મહેકમની જગ્યાઓ ભરવાની માગ સાથે ઉમેદવારોએ મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને સંબોધીને કરાયેલી રજૂઆતમાં લેખિત પરીક્ષામાં સફ્ળ થયેલા ઉમેદવારોને વધુ તક આપી ન્યાય કરવાની માગ કરવામાં આવી છે. ઉમેદવારોના જણાવ્યા મુજબ, યુજીવીસીએલની વિદ્યુત સહાયક ભરતી પ્રક્રિયામાં આશરે 6,600 ઉમેદવારો ટેસ્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 4,892 ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફ્ળ થયા છે. જોકે, આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો સફ્ળ થવા છતાં ઉપલબ્ધ જગ્યાઓ ઓછી હોવાથી અનેક લાયક ઉમેદવારો રોજગારની તકથી વંચિત રહે તેવી સ્થિતિ છે. અગાઉ પણ રજૂઆત કરવા છતાં કોઈ સ્પષ્ટ અને સત્તાવાર પ્રતિસાદ મળ્યો ન હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી, ઊર્જા કેબિનેટ મંત્રી અને યુજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઉમેદવારોએ વર્તમાન ભરતીની જગ્યાઓ વધારી ઓછામાં ઓછી 1,500થી 2,000 કરવા માગ કરી છે. નિવૃત્તિ, રાજીનામાં સહિતનાં કારણોસર યુજીવીસીએલમાં ખાલી પડેલી મંજૂર જગ્યાઓની સમીક્ષા કરી કંપનીની જરૂરિયાત મુજબ વધુમાં વધુ જગ્યાઓ વર્તમાન ભરતીમાં સામેલ કરવાની રજૂઆત પણ કરી છે. ઉમેદવારોના જણાવ્યા અનુસાર, ભરતીના પ્રથમ રાઉન્ડમાં 183 અને બીજા રાઉન્ડમાં 114 મળી કુલ 297 ઉમેદવારોનો જ સમાવેશ કરાયો છે. પરિણામે લેખિત પરીક્ષામાં સફ્ળ થયેલા અન્ય ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે. આગામી ત્રીજા રાઉન્ડમાં ઓછામાં ઓછા 300થી વધુ ઉમેદવારોને તક આપવાની માગ કરાઈ છે. આ ઉપરાંત ભરતીની જાહેરાત અને જોગવાઈઓ મુજબ તમામ છ રાઉન્ડ પારદર્શક રીતે પૂર્ણ કરવા તેમજ જ્યાં શક્ય હોય ત્યાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગને બદલે નિયમિત તથા કાયમી ભરતીને પ્રાથમિકતા આપવા માગ કરાઈ છે. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, આ માત્ર ભરતીનો પ્રશ્ન નથી, પરંતુ હજારો લાયક યુવાનોના રોજગાર અને ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. તેથી સરકાર અને યુજીવીસીએલ તંત્ર ઉમેદવારોની રજૂઆતને ગંભીરતાથી લઈ હકારાત્મક નિર્ણય કરે અને વધુમાં વધુ યુવાનોને રોજગારીની તક આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *