પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના વર્ષ 2018ના ચર્ચિત MBBS માર્ક્સ કૌભાંડમાં પોલીસે મુખ્ય આરોપી પરિમલ પટેલની ધરપકડ કરી છે. કોર્ટે આરોપી પરિમલના 23 સપ્ટેમ્બર 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરાવવા અસલ ઉત્તરવહીઓ ગાયબ કરી નકલી ઉત્તરવહીઓ ઊભી કરવાના આ સમગ્ર કૌભાંડમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી પરિમલ પટેલના 23 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ
પાટણની HNGU યુનિવર્સિટીમાં 2018માં આચરાયેલા પ્રથમ વર્ષ MBBS માર્ક્સ કૌભાંડમાં પોલીસે સુરત ગ્રામ્યના મહુવા તાલુકાના શેખપુર ગામના 26 વર્ષીય પરિમલકુમાર અરવિંદભાઈ પટેલની ધરપકડ કરી છે. પાટણ સીટી બી-ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે મેજિસ્ટ્રેટ એન.વી. પઠાણે આરોપીના 23 સપ્ટેમ્બર 2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું ઘડાયું હતું કાવતરું
પોલીસ તપાસ અનુસાર, જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ધારપુરનો વિદ્યાર્થી પરિમલ પટેલ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર છે. જુલાઈ 2018ની પ્રથમ વર્ષ MBBSની પરીક્ષામાં પરિમલ સહિતના કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. પાસ થવા માટે તેમણે સીનિયર વિદ્યાર્થી કનુભાઈ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. કનુભાઈએ તેમનો સંપર્ક યુનિવર્સિટીના રીએસએસમેન્ટ વિભાગના કર્મચારીઓ દિવ્યેશ પટેલ અને ઉદય ઓઝા સાથે કરાવ્યો હતો. શિષ્યવૃત્તિના નાણાંમાંથી ₹50,000 આપી ઊભી કરાઈ નકલી પુરવણીઓ
આ ગેરકાયદેસર કાવતરા માટે વિદ્યાર્થીઓએ પોતાની શિષ્યવૃત્તિની રકમમાંથી ₹50,000ની જોગવાઈ કરી હતી. આરોપીઓએ યુનિવર્સિટીમાંથી પ્રથમ પરીક્ષાની અસલ ઉત્તરવહીઓ ગુમ કરાવી દીધી હતી. ત્યારબાદ પરિમલ પટેલને પાટણ નવજીવન ખાતે સુભાષચોક પાસેના એક મહોલ્લામાં લઈ જઈને પરીક્ષા ખંડ સિવાયના સ્થળે નવી પુરવણીઓમાં જવાબો લખાવવામાં આવ્યા હતા. બોગસ સહીઓ અને ખોટી એન્ટ્રીઓ કરી પાસ જાહેર કરાયા
પરીક્ષા ખંડની બહાર લખાયેલી આ નકલી ઉત્તરવહીઓને અસલ ઉત્તરવહીઓ તરીકે ગોઠવી દેવામાં આવી હતી. એટલું જ નહીં, બ્લોક રિપોર્ટ અને સુપરવાઈઝરની બોગસ સહીઓ પણ તૈયાર કરાઈ હતી. માર્ક્સ શિપમાં ગુણની ખોટી એન્ટ્રીઓ કરીને નાપાસ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરી દેવાયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં પરિમલ, રાજદીપ અને કનુ ચૌધરીની ધરપકડ થઈ ચૂકી છે અને પાટણ પોલીસ વધુ વિગતો બહાર લાવવા તપાસ ચલાવી રહી છે.
MBBS માર્ક્સ કૌભાંડમાં પરિમલ પટેલના 23 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ:HNGU નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવા નકલી ઉત્તરવહીઓ બનાવાઈ; ઉત્તરવહીઓ ગાયબ કરી બહાર બેસી જવાબો લખાવ્યા હતા
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
