Mehsana : ઓવરબ્રિજનું કામ ઠપ્પ, NHAI એ પોલીસ સુરક્ષા માંગી

📅 Published: September 26, 2026 | 📂 Category: gujarati-news

01

મહેસાણા તાલુકાના સખપુરડા ગામ ખાતે શિવાલા સર્કલ પાસેથી પસાર થતી 400 કેવી મુંદ્રા-સમી-દહેગામ હાઈ ટેન્શન વીજ લાઈન ખસેડવાના મુદ્દે ઓવરબ્રિજ અને ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગયું છે. પાટણથી ગોઝારિયા વચ્ચેના નેશનલ હાઈવે-68ના 4-લેન પહોળાકરણના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં આ વીજ લાઈન શિફ્ટ કરવાની કામગીરીને કારણે મોટો અવરોધ ઊભો થયો છે.NHAIદ્વારા અદાણી ટ્રાન્સમિશન ઈન્ડિયા લિમિટેડને વીજ લાઈન ખસેડવા માટે રૂ. 6.13 કરોડથી વધુનો અંદાજિત ખર્ચ ચૂકવી દેવામાં આવ્યો છે અને ROUવળતર પેટે રૂ. 4.50 કરોડ એડવાન્સ પણ જમા કરાવાયા છે. મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સર્વે નં. 181, 192 ગામ સખપુરડા અને આસપાસના વિસ્તારોમાં લાઈન શિફ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી હોવા છતાં સ્થાનિક જમીન માલિકો અને ખેડૂતો દ્વારા નવીન ટાવર ઊભા કરવા તથા એલાઈનમેન્ટ સામે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

લાઈવ હાઈટેન્શન વીજ લાઈન હાઈવે કોરિડોર પરથી પસાર થતી હોવાથી ક્રેન કે પાઈલિંગ મશીન જેવા ભારે મશીનરી કામગીરી માટે વાપરી શકાતા નથી. જેના કારણે ગંભીર વીજ અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. ખેડૂતોના વિરોધને કારણે ATILના કોન્ટ્રાક્ટરની કામગીરી અટકી પડી છે અને સાધન-સામગ્રીનો વ્યય થઈ રહ્યો છે.NHAIએ મહેસાણા કલેક્ટર એસ.કે.પ્રજાપતિ અને જિલ્લા મેજિસ્ટ્રેટ મયંક પટેલને પત્ર લખીને તાકીદે વહીવટી હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. જાહેર હિત અને નેશનલ હાઈવેના ઝડપી નિર્માણ માટે મામલતદાર, સર્કલ ઓફ્સિર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્થળ પર જરૂરી પોલીસ બંદોબસ્ત પૂરોપાડીને વિવાદિત જગ્યાનો કબજો મુક્ત કરાવવા માંગ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *