Mehsana : પેસેન્જર બેસાડવાની અદાવતમાં ગળું કાપી હત્યા, એક અઠવાડિયાની માથાકૂટનો લોહિયાળ અંત

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણામાં ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવાની બાબતે ચાલતી અદાવતનો લોહિયાળ અંત આવ્યો છે. મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા બસ ડેપો બહાર એક યુવકની છરીના ઘા મારી અને ગળું કાપીને હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહેસાણા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી માથાકૂટ અને મનદુઃખ હત્યાનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

એક અઠવાડિયાથી પેસેન્જરને લઈને ચાલતી હતી માથાકૂટ

ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવાની બાબતે આરોપીઓ અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ અને મનદુઃખે આખરે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

સાબિર હુસેન ગુલામ રસૂલ સૈયદ પર છરી વડે હુમલો 

આરોપ છે કે સાબિર હુસેન ગુલામ રસૂલ સૈયદ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન છરીના ઘા મારવામાં આવ્યા બાદ ગળા પર પણ ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

હત્યાના બનાવ બાદ મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે બાબિ માજિદ ખાન અને સૈયદ સાકિર હુસેનને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસે હત્યાના સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

મુખ્ય આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા

પોલીસ માહિતી મુજબ મુખ્ય આરોપી માજિદ ખાન સામે અગાઉ પણ મહેસાણા સિટી, વિજાપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને ઇડર સહિતના પોલીસ સ્ટેશનોમાં 5થી 6 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનાને પગલે આરોપીના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસને CCTV ફૂટેજ મળ્યા

ઘટનાસ્થળના CCTV ફૂટેજ પણ પોલીસના હાથ લાગ્યા છે. ફૂટેજના આધારે હત્યા સમયે શું બન્યું અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો 

પેસેન્જર બેસાડવાની બાબતે શરૂ થયેલી સામાન્ય અદાવત હત્યા સુધી પહોંચી જતાં મહેસાણામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. 

આ પણ વાંચો :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *