Mehsana : ફોર્ચ્યુનરને ટક્કર બાદ કુખ્યાત ભાવેશ જીલીયા પર ફાયરિંગ, એક જ દિવસમાં 2 મોટી ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ, Video

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં મર્ડરની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ સાંજના સમયે નાગલપુર ચોકડી નજીક જાહેર રસ્તા પર ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. એક જ દિવસમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં બનેલી 2 મોટી ઘટનાઓથી પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.

સ્કોર્પિયોએ ફોર્ચ્યુનરને 2થી 3 ટક્કર મારી

નાગલપુર ચોકડી પાસે આવેલા માધવી લસ્સી અને આઇસક્રીમ પાર્લર નજીક નામચીન ભાવેશ જીલીયા પોતાની સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાં મિત્રો સાથે પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન સફેદ રંગની સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે અને રોંગ સાઇડમાં આવી હતી. સ્કોર્પિયોમાં સવાર શખ્સોએ ફોર્ચ્યુનર કારને 2થી 3 વખત જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર બાદ જાહેરમાં ફાયરિંગ

કારને ટક્કર માર્યા બાદ બંને પક્ષ વચ્ચે વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ ફાયરિંગની ઘટના બની હતી. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.

 

ફાયર અને મિસફાયર રાઉન્ડ મળ્યા

પોલીસને ઘટનાસ્થળેથી 1 ફાયર થયેલું અને 1 મિસફાયર થયેલું કાર્ટ્રિજ/રાઉન્ડ મળી આવ્યું છે. જેના આધારે સ્થળ પર ગોળીબાર થયો હોવાની પુષ્ટિ થઈ છે. FSL અને ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.

CCTVથી હુમલાખોરોની શોધ

પોલીસે આસપાસના CCTV ફૂટેજ કબજે કરી સ્કોર્પિયો કાર અને તેમાં સવાર શખ્સોની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી હાથ ધરવામાં આવી છે. એક જ દિવસમાં મર્ડર બાદ ફાયરિંગની ઘટના સામે આવતા મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. 

આ પણ વાંચો   :    Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *