મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી પંથકમાં સ્થાનિક પોલીસની આંખ નીચે ધમધમી રહેલા જુગારના અડ્ડાઓ સામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે લાલ આંખ કરી છે. બહુચરાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોડિયાર માતાજી મંદિર નજીકની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર SMC ની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન સાપાવડા ગામના સરપંચ સહિત ત્રણ શખ્સો ગંજીપાનાની બાજી માંડીને જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગામના વિકાસ અને કાયદાનું પાલન કરાવવાની જેમના શિરે જવાબદારી છે તેવા ચૂંટાયેલા સરપંચ પોતે જુગાર રમતા ઝડપાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ખોડિયાર માતાજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ચાલતું હતું જુગારધામ
SMC ને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયાર માતાજી મંદિર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો નિયમિતપણે ગંજીપાના પર હારજીતનો મોટો જુગાર રમતા હોવાની બાતમી ગાંધીનગર SMC ને મળી હતી.સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઓચિંતો ઘેરાવો ઘાલતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.પોલીસે સ્થળ પરથી ત્રણ જુગારીઓને કોર્ડન કરી ઝડપી લીધા હતા, જ્યારે અન્ય સાત જેટલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં સાપાવડા ગામના સરપંચ સામેલ
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ થતાં જ પોલીસ અને સ્થાનિક રાજકારણમાં સોપો પડી ગયો હતો. પ્રકાશભાઈ મણીલાલ પટેલ સાપાવડા ગામના વર્તમાન સરપંચ,કિરણ ઉર્ફે કીરીટ શૈલેષભાઈ ભટ્ટ,લાલાજી જીવણજી સોલંકીગામના પ્રથમ નાગરિક અને જવાબદાર જનપ્રતિનિધિ તરીકે ઓળખાતા સરપંચ પોતે અસામાજિક પ્રવૃત્તિમાં પકડાતાં સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે કે જો ગામના સરપંચ જ જુગારની લતે ચડ્યા હોય તો ગામનો વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે.
રોકડા ₹3.18 લાખ સહિત ₹3.48 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન SMC ની ટીમે સ્થળ પરથી રોકડ રકમ અને ગેજેટ્સ કબ્જે કર્યા છે.રોકડ રકમ: ₹3,18,010/- (ત્રણ લાખ અઢાર હજાર દસ રૂપિયા), 5 નંગ એન્ડ્રોઇડ/કીપેડ મોબાઇલ, ગંજીપાના અને અન્ય સાધન સામગ્રી કુલ મુદ્દામાલ: ₹3.48 નો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે.
10આરોપીઓ સામે બહુચરાજી પોલીસ મથકે ગુનો દાખલ
SMC ની આ આકરી કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ૩ અને ફરાર થઈ ગયેલા 7 મળી કુલ 10 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.નાસી છૂટેલા સાતેય સાગરીતોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.સ્ટેટ મોનિટરિંગ સેલના આ દરોડાથી મહેસાણા જિલ્લામાં ચાલતા અન્ય ગેરકાયદે જુગાર અને અસામાજિક પ્રવૃત્તિના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
