મહેસાણા મહાનગરપાલિકાના આઇકોનિક રોડ પ્રોજેક્ટને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. રોડની કામગીરી હજુ પૂર્ણ પણ થઈ નથી ત્યાં જ નવા લગાવવામાં આવેલા વીજ પોલમાં કાટ લાગવાની ઘટના સામે આવી છે. પોલ કાટ લાગીને ખરાબ થઈ જતા તાત્કાલિક બદલવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ મહેસાણા મનપાની કામગીરી અને કરોડો રૂપિયાના ખર્ચ સામે સવાલો ઉભા કર્યા છે.
નવા પોલમાં કાટ લાગ્યો કેવી રીતે?
માહિતી મુજબ આઇકોનિક રોડ પર નવા વીજ પોલ લગાવવામાં આવ્યા હતા. પરંતુ રોડ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં જ પોલમાં કાટ લાગતાં તેમની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જો વીજ પોલ નવા ખરીદવામાં આવ્યા હતા તો તેમાં આટલી ઝડપથી કાટ કેવી રીતે લાગી ગયો? પોલ ખરીદતી વખતે ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? આવા અનેક સવાલો હવે સામે આવ્યા છે.
કાઉન્સિલરે ઉઠાવ્યો હતો મુદ્દો
આ મુદ્દે અગાઉ મનપાના એક કાઉન્સિલરે નવા લગાવવામાં આવેલા વીજ પોલમાં કાટ લાગવાની સમગ્ર હકીકત જાહેર કરી હતી. ત્યારબાદ પોલની સ્થિતિને લઈને ચર્ચા શરૂ થઈ હતી. કાટ લાગેલા તમામ વીજ પોલ હવે બદલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, જૂના પોલ બદલવા પાછળ ફરી કેટલો ખર્ચ થયો અને તેની જવાબદારી કોની તે પણ મહત્વનો પ્રશ્ન છે.
કોણ જવાબ આપશે પ્રજાના નાણાંનો હિસાબ?
કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આઇકોનિક રોડની કામગીરી હજુ અધૂરી છે અને નવા લગાવવામાં આવેલા વીજ પોલ બદલવાની નોબત આવી ગઈ છે. ત્યારે આ સમગ્ર મામલાને પ્રજાના નાણાંના વેડફાટ સાથે જોડીને સવાલો ઊભા થઈ રહ્યા છે. જો શરૂઆતમાં જ યોગ્ય ગુણવત્તાવાળા પોલ ખરીદવામાં આવ્યા હોત તો શું તેને આટલી ઝડપથી બદલવાની જરૂર પડતી?
પોલમાં કાટ લાગવા માટે જવાબદાર કોણ?
હવે સૌથી મોટો સવાલ એ છે કે નવા પોલમાં કાટ લાગવા માટે જવાબદાર કોણ? ખરીદી પ્રક્રિયામાં ખામી હતી કે ગુણવત્તા નિયંત્રણમાં બેદરકારી? આ સમગ્ર મામલે જવાબદારી નક્કી થાય અને પ્રજાના નાણાંનો હિસાબ જાહેર થાય તેવી માંગ ઊઠી રહી છે.
