Mehsana: વિસનગરમાં માતાજી કોપાયમાન થશે તેમ ડરાવી ભુવાજીએ 8 વર્ષ સુધી મહિલા પર આચર્યું દુષ્કર્મ

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

ધર્મ અને આસ્થાના ઓઠા હેઠળ અંધશ્રદ્ધા ફેલાવી બહેન-દીકરીઓનું શોષણ કરતા કહેવાતા ધતિંગબાજો સામે વધુ એક ચોંકાવનારો કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. વિસનગર તાલુકામાં માતાજીના ભુવાજી તરીકે ઓળખ ધરાવતા કિર્તિ બાબુભાઈ ચૌધરી નામના શખ્સે એક 34 વર્ષીય મહિલાને માતાજીના નામે ડરાવી-ધમકાવીને સતત 8 વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હોવાની સનસનાટીભરી ફરિયાદ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં ભુવાજી ઉપરાંત અન્ય બે શખ્સોએ પણ મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હોવાનો ગંભીર આક્ષેપ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

માતાજીનો ડર બતાવી ગેસ્ટ હાઉસોમાં દુષ્કર્મ 

ભોગ બનનાર ૩૪ વર્ષીય મહિલાએ વિસનગર તાલુકા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ ભુવાજી કિર્તિ બાબુભાઈ ચૌધરીએ મહિલાને પોતાના વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ ‘જો સંબંધ નહીં બાંધે તો માતાજી કોપાયમાન થશે અને પરિવાર બરબાદ થઈ જશે’ તેવી ધાકધમકીઓ આપી હતી.આરોપી કિર્તિ ચૌધરી મહિલાને વિજાપુર આશ્રમ ચોકડી નજીકના ગેસ્ટ હાઉસ તેમજ વિસનગર-ઊંઝા રોડ પર આવેલા સુંદરમ ગેસ્ટ હાઉસમાં અવારનવાર લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો.મહિલા આ માનસિક અને શારીરિક ત્રાસથી છેલ્લા ૮ વર્ષથી પીડાઈ રહી હતી.

અન્ય બે શખ્સોએ પણ શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું

ફરિયાદમાં થયેલા ઘટસ્ફોટ મુજબ, ભુવાજી ઉપરાંત અન્ય બે સાગરીતોએ પણ મહિલાનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય આરોપી કિર્તિભાઈ બાબુભાઈ ચૌધરી ઉપરાંત શૈલેષભાઈ ચૌધરી અને હર્ષિલ ચૌધરી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ બંને શખ્સો પણ મહિલાની મજબૂરી અને પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને તેની પાસે શારીરિક સંબંધોની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હતા.

વિસનગર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

સતત મળતી ધમકીઓ અને અત્યાચારથી કંટાળીને આખરે પરિણીતાએ હિંમત દાખવી વિસનગર તાલુકા પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા હતા.પોલીસે પીડિતાની વિસ્તૃત ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓ સામે દુષ્કર્મ, ધાકધમકી સહિતની સંગીન કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.ગેસ્ટ હાઉસના સીસીટીવી ફૂટેજ, એન્ટ્રી રજિસ્ટર અને અન્ય દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા માટે પોલીસે તપાસ ટીમ રવાના કરી છે.ધર્મના નામે મહિલાઓનું શોષણ કરનારા આવા ઢોંગી ભુવાઓ સામે કડક દાખલો બેસે તે દિશામાં પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ભેસ્તાનમાં ₹1.50 કરોડનું માટી ચોરી કૌભાંડ; રાતોરાત ટ્રક દોડાવી માટી સગેવગે કરી છતાં સ્થાનિક તંત્રને ગંધ પણ ન આવી!



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *