ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમને નવા યુગની શરૂઆત થાય તે પહેલાં જ મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટિંગ દિગ્ગજ માઈકલ હસીએ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની ટીમના બેટિંગ કોચ બનવાની ઓફરને નકારી કાઢી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડના નવા ટેસ્ટ હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ અને ECBએ આ પદ માટે માઈકલ હસીનો સંપર્ક કર્યો હતો. માઈકલ હસીએ અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સમાં ફ્લેમિંગ સાથે કામ કર્યું હતું, પરંતુ ઈંગ્લેન્ડમાં જોડાવાને બદલે તેમને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઓફર સ્વીકારવાનો નિર્ણય કર્યો.
મીડિયા રિપોર્ટ મુજબ માઈકલ હસી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે પાર્ટ-ટાઈમ સલાહકાર તરીકે સેવા આપશે. આ વ્યવસ્થા તેમને તેમના અન્ય વ્યાવસાયિક કાર્યો ચાલુ રાખવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપશે. ધ હન્ડ્રેડ અને અન્ય ફ્રેન્ચાઈઝ ટુર્નામેન્ટમાં કોચિંગ સિવાય માઈકલ હસી ઓસ્ટ્રેલિયામાં ફોક્સ સ્પોર્ટ્સ માટે કોમેન્ટેટર અને નિષ્ણાત તરીકે પણ કામ કરે છે.
માઈકલ હસીનો ઈંગ્લિશ ટીમ સાથે લાંબો સંબંધ
માઈકલ હસ્સીનો ઈંગ્લિશ ક્રિકેટ સાથે લાંબો સંબંધ છે. તેમને ઓસ્ટ્રેલિયામાં 2022ના ICC મેન્સ T20 વર્લ્ડકપ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમના પાર્ટ-ટાઈમ સલાહકાર તરીકે સેવા આપી હતી. ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડે ટુર્નામેન્ટ જીતી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ ECB માર્કસ ટ્રેસ્કોથિકને ટેસ્ટ ટીમના બેટિંગ કોચ તરીકે જાળવી રાખવાનું વિચારી શકે છે. ટ્રેસ્કોથિક હાલમાં પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડના કાર્યકારી મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યા છે, અને તેમની દેખરેખ હેઠળ, ટીમે પ્રથમ 2 ટેસ્ટમાં મજબૂત જીત નોંધાવી છે.
ઈંગ્લેન્ડ સામે મોટો પડકાર
જુલાઈમાં ઈંગ્લેન્ડના ટેસ્ટ હેડ કોચ તરીકે નિયુક્ત થયેલા સ્ટીફન ફ્લેમિંગ ડિસેમ્બર 2026માં સાઉથ આફ્રિકાના પ્રવાસથી તેમની નવી ભૂમિકા સંભાળશે. ત્યારબાદ ઈંગ્લેન્ડે 2027માં ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક મેચો અને ઘરઆંગણે રમાનારી એશિઝ સિરીઝ માટે તૈયારી કરવી પડશે. તેથી સ્ટીફન ફ્લેમિંગની કોચિંગ ટીમમાં બેટિંગ કોચની નિમણૂક ECB માટે એક મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે. હાલમાં ઈંગ્લેન્ડ પાકિસ્તાન સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહ્યું છે. 2 મેચ જીતીને ઈંગ્લેન્ડે સિરીઝમાં અજેય લીડ મેળવી છે.
આ પણ વાંચો: Team Indiaમાંથી આ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા, BCCIએ કેમ લીધો મોટો નિર્ણય?
