ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ આગામી 24 થી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે અને સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના
હવામાન વિભાગ દ્વારા આપેલા એલર્ટ બાદ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે
વિસ્તારવાર આગાહી પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદી માહોલ રહેશે.
મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ
જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વાદળો ગરજશે. ખાસ કરીને અમદાવાદમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની પૂર્ણ શક્યતા છે
દક્ષિણ ગુજરાતમાં પણ વરસશે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન
