Monsoon 2026 : દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, 40-50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

📅 Published: June 30, 2026 | 📂 Category: Webstory

ગુજરાતમાં હાલમાં ડબલ ઋતુનો મિશ્ર મિજાજ જોવા મળી રહ્યો છે. એક તરફ અસહ્ય ઉકળાટ અને ગરમી છે, તો બીજી તરફ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરીને અનેક વિસ્તારોને ગરમીથી રાહત આપી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ ઉપરાંત દમણ અને દાદરા નગરહવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદી માહોલ સર્જાશે.

વેરાવળ-સોમનાથ પંથકમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં 

લાંબી રાહ જોવડાવ્યા બાદ વેરાવળ-સોમનાથ પંથકમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે. 

સુરતમાં રાત્રે વાતાવરણ પલટાયું 

દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં પણ દિવસભર અસહ્ય ગરમી બાદ રાત્રે વાતાવરણ પલટાયું હતું અને વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ તથા પાલ વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો.

 રાજકોટ શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું

જો કે, રાજકોટ શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું છે અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે. અસહ્ય ઉકળાટ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને બફારાથી ત્રસ્ત રાજકોટવાસીઓ હવે મેઘરાજાના સત્તાવાર આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી

બીજી તરફ રાજ્યના અનેક શહેરોમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 39.6, ગાંધીનગર 39.4, ડીસા 39.1 અને રાજકોટમાં 39.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

આ પણ વાંચો—    Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *