Monsoon 2026 : વડોદરા અને નસવાડી પાણી-પાણી, અશ્વિન નદીમાં ઘોડાપૂર વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા, Video

📅 Published: July 31, 2026 | 📂 Category: Webstory

રાજ્યમાં ચોમાસુ માહોલ પૂરજોશમાં જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આશંકા વચ્ચે આજે વહેલી સવારથી જ મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. વડોદરા શહેર અને સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  

નસવાડીમાં માત્ર બે જ કલાકમાં બે ઇંચ વરસાદ

બીજી તરફ, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદે વિરાટ રૂપ ધારણ કર્યું છે. નસવાડીમાં માત્ર બે જ કલાકમાં બે ઇંચ જેટલો ખાબકેલો ભારે વરસાદ પાણીના પ્રવાહને વેગ આપી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત રહેતા ટાઉન વિસ્તારના મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા છે.

Heavy Gujarat Rain Alert: Vadodara & Nasvadi Flooded, Ashwin River Overflows

અશ્વિન નદીમાં ભારે ઘોડાપૂર

આ સાથે નજીકમાં આવેલી અશ્વિન નદીમાં ભારે ઘોડાપૂર આવતા તટિય વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ છે. નદીનું પાણી બજાર અને રહેણાંક તરફ વધવાની ભીતિને પગલે વેપારીઓ અને સ્થાનિક ગ્રામજનો પોતાની દુકાનો અને ઘરો ખાલી કરવા મજબૂર બન્યા છે.  

   

શિનોર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ

વડોદરાના શિનોર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. શિનોર તાલુકાના અવાખલ, સેગવા અને માલસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસેલા ભારે વરસાદને કારણે અવાખલ ગામના મુખ્ય રસ્તાઓ પર નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા હતા, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. આજના આંકડા સાથે શિનોર પંથકમાં સિઝનનો કુલ 18.5 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે ખેતીના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

 ભારે પૂરના કારણે યુવક ફસાયો

Heavy Gujarat Rain Alert: Vadodara & Nasvadi Flooded, Ashwin River Overflows

છોટાઉદેપુરમાં અશ્વિની નદીમાં બેકાબૂ ઘોડાપૂર આવતા સનસનાટી મચી ગઈ છે. ભારે પૂરના કારણે એક યુવક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઈદગાહ પર છેલ્લા બે કલાકથી ફસાયો છે. નદીના રોદ્ર સ્વરૂપને કારણે ઈદગાહની ચારે બાજુ પૂરના પાણી ફરી વળ્યા છે, જેનાથી યુવક ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયો છે. આ કટોકટીભરી સ્થિતિને જોઈને સ્થાનિકોમાં ભારે અફડાતફડી અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે, અને તેને ઉગારવા માટેના પ્રયાસો તેજ કરી દેવાયા છે.

અમદાવાદ, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા

દરમિયાન, હવામાન વિભાગેસમગ્ર ગુજરાતમાં આગામી કલાકો દરમિયાન અત્યંત ભારે વરસાદની ગંભીર આગાહી જારી કરી છે. અમદાવાદ, આણંદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સિવાય રાજકોટ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પૂરઝડપે વરસાદી સ્પેલ જોવા મળી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કચ્છ, મોરબી અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. તંત્ર દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.   

આ પણ વાંચો    :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *