Morbiમાં માળિયા હાઈવે પરથી રૂ.24 લાખથી વધુનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકમાંથી દારૂ અને બિયરનો પ્રચંડ જથ્થો ઝડપી પાડવામાં સરહદી રેન્જ ભુજ (કચ્છ) ની પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. બુટલેગરો દ્વારા પોલીસની નજર ચૂકવવા માટે ટ્રકની પાછળ તાલપત્રી ઢાંકીને તેની આડમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બિયરનું મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. ગુપ્ત બાતમીના આધારે સરહદી રેન્જની ટીમે વોચ ગોઠવીને માળિયા નેશનલ હાઈવે પર આવેલી ભીમસર ચોકડી પાસેથી આ ટ્રકને આંતરી લીધો હતો.

કચ્છ તરફ લઈ જવાતો હતો દારૂનો જથ્થો

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ અને બિયરથી ભરેલો આ ટ્રક બનાસકાંઠા સરહદેથી રવાના થઈને મોરબી-માળિયા હાઈવે થઈ કચ્છ તરફ જઈ રહ્યો હતો. સરહદી રેન્જની ટીમે ટ્રકની તલાશી લેતાં તાલપત્રી નીચે સંતાડેલી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.24 લાખથી વધુની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને રૂ.10 લાખની કિંમતનો ટ્રક મળીને એકંદર રૂપિયા 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ

પોલીસે ટ્રકચાલક આરોપી ખેતારામ માજીરાણા (રહે. રાજસ્થાન/બનાસકાંઠા સરહદી વિસ્તાર) ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી સામે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ધારા (પ્રોહિબિશન એક્ટ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરી આપવામાં આવ્યો હતો અને કચ્છ કે મોરબીમાં કયા બુટલેગરને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *