Muskan Murder Case: દિલ્હી ઇન્ફ્લુએન્સર હત્યાકાંડમાં પોલીસનો ઘા, ફરાર આરોપી ઇમરાન એન્કાઉન્ટર બાદ ઝડપાયો

📅 Published: August 28, 2026 | 📂 Category: India National

પશ્ચિમ દિલ્હીના તિલકનગર વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થીની અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મુસ્કાનની હત્યાના મામલામાં ફરાર ચાલતા આરોપી આકિબ ઉર્ફે ઇમરાનને પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમે એન્કાઉન્ટર બાદ ઝડપી લીધો છે. રાજૌરી ગાર્ડન વિસ્તારમાં નાલા રોડ પાસે પોલીસ અને આરોપી વચ્ચે ફાયરિંગ થયું હતું. પોલીસની જવાબી કાર્યવાહીમાં ઇમરાનના પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો અને બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસને જોઈ આરોપીએ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ

મુસ્કાન હત્યાકાંડના વોન્ટેડ આરોપી ઇમરાન રાજૌરી ગાર્ડન વિસ્તારમાં આવવાનો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે નાલા રોડ આસપાસ ઘેરાબંધી કરી હતી. થોડા સમય બાદ આરોપી ત્યાં પહોંચ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે.

ઇમરાનના પગમાં ગોળી વાગી 

પોલીસે આત્મરક્ષામાં જવાબી કાર્યવાહી કરતાં ઇમરાનના પગમાં ગોળી વાગી હતી. ઘાયલ હાલતમાં તે નીચે પડી જતાં પોલીસ ટીમે તેને કાબૂમાં લઈ હોસ્પિટલ ખસેડ્યો હતો. હવે તેની પૂછપરછના આધારે હત્યાકાંડની વધુ કડીઓ સુધી પહોંચવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

 

ઘરમાં એકલી હતી મુસ્કાન

મુસ્કાનની હત્યા તિલકનગરના મહાવીરનગર વિસ્તારમાં થઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ, બુધવારે સાંજે મુસકાન ઘરમાં એકલી હતી ત્યારે ઇમરાન ત્યાં પહોંચ્યો હતો. બંને એકબીજાને અંદાજે 1.5 વર્ષથી ઓળખતા હોવાનું સામે આવ્યું છે. કોઈ મુદ્દે બંને વચ્ચે વિવાદ થતાં ઇમરાને મુસકાન પર ચાકૂથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.

મોબાઇલ ચેટથી હત્યાના કારણ સુધી પહોંચવાનો પ્રયાસ

તપાસ દરમિયાન મુસકાનનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસને મોબાઇલમાંથી મુસકાન અને ઇમરાન વચ્ચેની ચેટ મળી હોવાનું સામે આવ્યું છે. આ ચેટના આધારે બંને વચ્ચે ચાલતા વિવાદ અને હત્યાના સંભવિત કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાય તેવી શક્યતા 

પ્રાથમિક તપાસમાં મુસકાનની અન્ય યુવક સાથેની વાતચીતને લઈને આરોપી નારાજ હોવાની વાત પણ સામે આવી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે. હવે એન્કાઉન્ટર બાદ આરોપીની ધરપકડ થતાં પૂછપરછ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :    Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *