નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ઉનાઈ ગામમાંથી આસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. અહીં આયોજિત કૃષ્ણ જન્મોત્સવ અને દહીંહાંડી ઉત્સવ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા દહીંહાંડીની મટકી સાથે દારૂની બોટલો લટકાવી દેવામાં આવી હતી.
ઉનાઈમાં આસ્થા સામે ઉઠ્યા સવાલો
આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. પવિત્ર તહેવારના દિવસે દહીંહાંડી સાથે દારૂની બોટલો જોઈને હિન્દુ સમાજ અને ધાર્મિક સંગઠનોની લાગણી દુભાઈ હતી અને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. દહીંહાંડી ઉત્સવમાં દારૂની બોટલો લટકાવી ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો ગરમાતાં જ વાંસદા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ત્વરિત ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી અને આ કૃત્ય આચરનારાઓ સામે કાયદાનો સિકંજો કસ્યો હતો.
દહીંહાંડી ઉત્સવમાં મટકી સાથે દારૂની બોટલો લટકાવતાં વિવાદ
લોકપ્રિય અને પવિત્ર ઉત્સવમાં દારૂની બોટલોનો ઉપયોગ કરાતાં સ્થાનિકોમાં કડક સજાની માંગ.વાંસદા પોલીસે ધરપકડ કરાયેલા ૩ ઈસમો સામે દારૂબંધી અને ધાર્મિક લાગણી દુભાવવા અંગેની કલમો હેઠળ તપાસ હાથ ધરી. પોલીસે ઉત્સવો દરમિયાન ધાર્મિક મર્યાદા જાળવી રાખવા અને કોઈ પણ અફવાઓથી દૂર રહેવા સ્થાનિકોને અપીલ કરી છે.
