નવસારી ટાઉનહોલ ખાતે ત્રિ-દિવસીય ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’ (VSSE)નો ભવ્ય શુભારંભ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો છે.
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ, નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય નવસારીના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અંતરિક્ષ ક્ષેત્રે જિજ્ઞાસા કેળવવાનો છે. સ્પેસ એક્ઝિબિશન ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, *ભારત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરીને પૂર્ણપણે આત્મનિર્ભર બની રહ્યું છે. આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વિજ્ઞાન તેમજ અંતરિક્ષ સંશોધન પ્રત્યે રૂચિ વધારવાનું ઉત્કૃષ્ટ માધ્યમ સાબિત થશે. આવા આયોજનો થકી આપણી નવી પેઢી ઇસરોની આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓથી પરિચિત થશે અને દેશના ભાવિ વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરણા મેળવશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અનોખા એક્ઝિબિશનમાં નવસારીના નાગરિકો અને વિદ્યાર્થીઓને ઇસરોની વિવિધ પ્રવૃત્તિઓ નજીકથી નિહાળવાનો સોનેરી અવસર મળશે. જેમાં સ્પેસ ઓન વ્હીલ્સમાં ઇસરોની વિવિધ સિદ્ધિઓ દર્શાવતી ખાસ મોબાઈલ વાન તથા રોકેટ લોન્ચિંગનું લાઈવ પ્રદર્શનથી વિદ્યાર્થીઓને રોકેટ સાયન્સનો રોમાંચક અનુભવ મળશે. તેમજ ઇસરોના તજજ્ઞ વૈજ્ઞાનિકો સાથે પ્રશ્નોત્તરી કરી જ્ઞાનવર્ધન કરવાનો મોકો મળી રહેશે, ઉપરાંત ભારત દ્વારા હાથ ધરાયેલા મહત્ત્વકાંક્ષી સ્પેસ મિશનોની માહિતી મળી રહેશે. ત્રિ-દિવસીય આ પ્રદર્શનમાં નવસારી શહેર અને જિલ્લામાંથી અંદાજે 8,000 થી 10,000 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળશે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, અગ્રણી ભૂરાભાઈ શાહ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, રાજકીય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
