ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થવાનો છે અને તેના માટે ટીમની જાહેરાત આ અઠવાડિયામાં થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિનિયર પુરુષ પસંદગી સમિતિ 5થી 11 ઓક્ટોબરની વચ્ચે બેઠક કરીને ત્રણેય ફોર્મેટ માટે ટીમ પસંદ કરે તેવી શક્યતા છે. આ બેઠક પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાની દેખરેખમાં થઈ શકે છે.
ભારત ન્યૂઝીલેન્ડમાં 12 મેચ રમશે
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ લાંબો રહેશે. બંને ટીમો વચ્ચે 5 T20, 5 ODI અને 2 ટેસ્ટ રમાશે. પ્રવાસની શરૂઆત 22 ઓક્ટોબરે T20 સિરીઝથી થશે. પ્રથમ બે T20 ક્રાઈસ્ટચર્ચમાં, ત્રીજી વેલિંગ્ટનમાં, ચોથી ઓકલેન્ડમાં અને પાંચમી હેમિલ્ટનમાં રમાશે. T20 સિરીઝ 1 નવેમ્બરે પૂરી થશે. આ પછી 5 મેચની ODI સિરીઝ રમાશે અને ત્યારબાદ 2 ટેસ્ટ મેચ યોજાશે. આખો પ્રવાસ 1 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા પ્રમાણે આ પ્રવાસમાં કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચ હોવાથી તે ન્યૂઝીલેન્ડના ઈતિહાસના સૌથી મોટા દ્વિપક્ષીય પ્રવાસોમાંનો એક છે.
કોહલી અને રોહિત પર પણ નજર
ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની પસંદગી પર ખાસ નજર રહેશે. બંને ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણેય ODI મેચ રમી છે અને ન્યૂઝીલેન્ડ સામે પણ તેઓ ભારતની ODI યોજનાનો ભાગ બની શકે છે. આ સિરીઝ ભારત માટે એટલા માટે પણ મહત્વની છે કારણ કે 2027નો ODI વર્લ્ડ કપ હવે વધારે દૂર નથી. આવતા વર્ષે 2 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવાનો છે. તેથી પસંદગીકારો ODI ટીમમાં કયા ખેલાડીઓને નિયમિત તક આપવી તે અંગે પણ આ પ્રવાસને મહત્વ આપશે.
ટેસ્ટ ટીમમાં મુકેશ કુમારની વાપસી શક્ય
ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ મેચ માટે પણ પસંદગીકારોનું ધ્યાન રહેશે. બંગાળના ઝડપી બોલર મુકેશ કુમાર ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે. ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમતા મુકેશે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બાદ તેને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ ટીમમાં તક મળવાની શક્યતા છે. આકાશ દીપની પણ ટેસ્ટ ટીમમાં પસંદગી થવાની શક્યતા છે. ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં ઝડપી બોલરોની ભૂમિકા મહત્વની રહેતી હોવાથી ભારતીય ટીમના બોલિંગ કોમ્બિનેશન પર પણ પસંદગીકારોની નજર રહેશે.
પસંદગી બેઠકમાં નવો તબક્કો
આ પસંદગી બેઠક એક રીતે મહત્વની પણ રહેશે, કારણ કે અજિત અગરકરનો સિનિયર પુરુષ પસંદગી સમિતિના ચેરમેન તરીકેનો કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂરો થયો છે. નવા ચેરમેનની જાહેરાત ન થાય ત્યાં સુધી સમિતિ ચાર સભ્યો સાથે કામ કરશે અને પ્રજ્ઞાન ઓઝા બેઠકની દેખરેખ રાખે તેવી શક્યતા છે.
ભારત માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટની ટીમ સંતુલિત બનાવવી મોટો પડકાર રહેશે. ખાસ કરીને ODIમાં 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની ભૂમિકા નક્કી કરવી પડશે, જ્યારે ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ મહત્વની રહેશે.
આ પણ વાંચો: Hong Kong Sixes 2026 માટે ભારતની ટીમ જાહેર, ભુવી બન્યો કેપ્ટન, કૃણાલની ધમાકેદાર એન્ટ્રી!
