Nvidia: ટ્રમ્પની ડબલ ગેમ! પહેલાં Nvidiaના 5 મિલિયન ડોલરના શેર ખરીદ્યા, પછી ચીન માટે પ્રતિબંધો હટાવી કરોડો કમાઇ લીધા!

📅 Published: November 15, 2026 | 📂 Category: Business

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Nvidiaના શેરમાં મોટું રોકાણ કર્યું હતું અને આ રોકાણના સમયને લઈને એક મોટો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, ચીનમાં AI ચિપની નિકાસ માટેનો રસ્તો ખુલ્લો થાય તેના બરાબર પહેલાં તેમણે લગભગ 5 મિલિયન ડોલરના શેર ખરીદ્યા હતા.

ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન ડીક્લેપ્ટોક્રેસીના જાહેર નાણાકીય ખુલાસાના વિશ્લેષણ અને ‘ધ ગાર્ડિયન’ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ચિપ બનાવતી કંપની Nvidiaના મોટા પ્રમાણમાં શેર ખરીદ્યા હતા. આ ખરીદી બાદ તેમના વહીવટીતંત્રે ચીન પર અદ્યતન AI ચિપની નિકાસને લગતા પ્રતિબંધો હટાવ્યા હતા. એટલે કે, ચીનને Nvidiaની ચિપ વેચવાનો રસ્તો સરળ બનાવ્યો હતો.

ચીન પરથી પ્રતિબંધ હટાવતાં પહેલાં કરી હતી શેરની ખરીદી

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા આ ખુલાસામાં જણાવાયું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના વહીવટીતંત્ર દ્વારા ચીનમાં અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપની નિકાસ પર બાઇડનના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવાય તેના બરાબર પહેલાં Nvidiaના 1 મિલિયનથી 5 મિલિયન ડોલર સુધીના શેર ખરીદ્યા હતા.

અહેવાલ અનુસાર, ટ્રમ્પે મે 2025માં આ શેર ખરીદ્યા હતા. આ ખરીદીના બરાબર એક દિવસ બાદ તેમના વહીવટીતંત્રે AI ડિફ્યુઝન ફ્રેમવર્ક પાછું ખેંચ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ નિયમ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ ચીનને અદ્યતન ચિપ વેચવાની Nvidiaની ક્ષમતા મર્યાદિત કરવાનો હતો.

જોકે, નીતિમાં ફેરફાર થયા બાદ Nvidiaના શેરના ભાવમાં વધારો થયો હતો. આ નિર્ણયથી કંપની માટે ચીનના બજારમાં વેચાણ વધારવાનો માર્ગ ખુલ્યો હતો. અગાઉ કંપનીની કુલ આવકમાં આ બજારનો હિસ્સો લગભગ એક ચતુર્થાંશ હતો.

ટ્રમ્પના 2,100 શેર વ્યવહારોનો ખુલાસો

ડીક્લેપ્ટોક્રેસીના વિશ્લેષણ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2025 દરમિયાન AI સાથે જોડાયેલી 68 કંપનીઓમાં રોકાણ અને લગભગ 2,100 શેર વ્યવહારોની વિગતો જાહેર કરી હતી. આ દરમિયાન તેમણે Nvidiaના 53 વ્યવહારો કર્યા હતા.

આ ઉપરાંત Apple, Meta અને Microsoft જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓના શેરની પણ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી.

આ વિશ્લેષણમાં 9 ડિસેમ્બર 2025ના એક વ્યવહાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વ્યવહારમાં ટ્રમ્પે Nvidiaના 5 મિલિયન ડોલર અથવા તેનાથી વધુ મૂલ્યના શેર ખરીદ્યા હોવાનું જણાવાયું છે.

આ ખરીદીનો સમય એવો હતો જ્યારે વહીવટીતંત્રે અલગ નીતિમાં ફેરફાર કરીને ચીનમાં H200 ચિપની નિકાસને મંજૂરી આપી હતી.

જોકે, નાણાકીય ખુલાસાના દસ્તાવેજોમાં શેરની ખરીદીનો સમય અને તેની અંદાજિત કિંમતની વિગતો આપવામાં આવી છે. પરંતુ રાષ્ટ્રપતિના અંગત રોકાણોએ વહીવટીતંત્રના નીતિગત નિર્ણયો પર સીધી અસર કરી હતી કે નહીં, તે સ્પષ્ટ થતું નથી.

ટ્રમ્પના સલાહકારોએ શું કહ્યું?

આ અહેવાલ સામે આવ્યા બાદ અમેરિકાની સંસદમાં આ વ્યવહારો પર દેખરેખ રાખવાની માગ વધી છે. ડેમોક્રેટિક સાંસદોએ શેરની ખરીદીના સમયને લઈને સંભવિત હિતોના ટકરાવ અંગે ઔપચારિક તપાસની દિશામાં પગલાં ભર્યાં છે.

બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પના સલાહકારોએ જણાવ્યું છે કે આ તમામ વ્યવહારો સ્વચાલિત રોકાણ પોર્ટફોલિયો દ્વારા કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે વ્હાઇટ હાઉસ અને Nvidiaના નેતૃત્વ વચ્ચેના સંબંધો પર પણ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે.

અહેવાલ અનુસાર, Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગને ટ્રમ્પના નજીકના સહયોગી તરીકે ઓળખાવવામાં આવ્યા છે. તેઓ અનેક વખત અમેરિકાના રાષ્ટ્રપતિને મળી ચૂક્યા છે. તાજેતરમાં એક શંકાસ્પદ ચીની ગુપ્તચર એજન્ટ સાથેના કથિત સંબંધોને લઈને વિવાદ વચ્ચે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, Nvidiaએ ઓક્ટોબર 2025માં વ્હાઇટ હાઉસના બૉલરૂમ પ્રોજેક્ટ માટે 25 મિલિયન ડોલરનું યોગદાન પણ આપ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *