19 સપ્ટેમ્બર 2007… ક્રિકેટના ઇતિહાસમાં આ તારીખ હંમેશા યાદ રહેશે. આ જ દિવસે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના યુવા ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને વિશ્વ ક્રિકેટમાં મોટો ઇતિહાસ રચ્યો હતો.આજે આ યાદગાર ઘટનાને 19 વર્ષ પૂર્ણ થયા છે.2007ના T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડરબનના કિંગ્સમીડ મેદાન પર સુપર-8નો મુકાબલો રમાઈ રહ્યો હતો.ઈંગ્લેન્ડ તરફથી 19મી ઓવર ફેંકવાની જવાબદારી માત્ર 21 વર્ષના સ્ટુઅર્ટ બ્રોડને આપવામાં આવી હતી.ત્યારબાદ જે થયું તે ક્રિકેટના ઇતિહાસના સૌથી યાદગાર પ્રસંગોમાં સામેલ થઈ ગયું.
બ્રોડની 6 બોલમાં 6 છગ્ગા
બ્રોડની પહેલી બોલ પર યુવરાજે ડીપ મિડ-વિકેટની ઉપરથી છગ્ગો ફટકાર્યો. બીજી બોલને બેકવર્ડ સ્ક્વેર લેગની ઉપરથી બાઉન્ડરીની બહાર મોકલી.ત્રીજી બોલ ડીપ એક્સ્ટ્રા કવર તરફથી છગ્ગામાં ફેરવી દીધી.ચોથી બોલ પર યુવરાજે ડીપ પોઈન્ટની ઉપરથી છગ્ગો ફટકાર્યો. પાંચમી બોલ ફરી મિડ-વિકેટની ઉપરથી સિક્સ માટે ગઈ. ત્યારબાદ ઓવરની છઠ્ઠી અને છેલ્લી બોલ પર યુવરાજે લોંગ-ઓનની ઉપરથી જોરદાર છગ્ગો ફટકારીને એક જ ઓવરમાં 36 રન બનાવી નાખ્યા.આ સાથે યુવરાજે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો અદભુત રેકોર્ડ પોતાના નામે કર્યો.
ફ્લિન્ટોફ સાથે થઈ હતી બોલાચાલી
યુવરાજના આ તોફાન પહેલાં મેદાન પર તેમની ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ સાથે બોલાચાલી થઈ હતી.ત્યારબાદ ઈંગ્લેન્ડના કેપ્ટન પૉલ કોલિંગવુડે 19મી ઓવર માટે યુવા સ્ટુઅર્ટ બ્રોડને બોલ સોંપ્યો હતો.પરંતુ બ્રોડ માટે આ ઓવર દુઃસ્વપ્ન સમાન બની ગઈ. યુવરાજે મેદાનના ચારે તરફ છગ્ગા ફટકારીને પોતાની તાકાતવર બેટિંગનો પરચો આપ્યો અને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું.
માત્ર 12 બોલમાં ફટકારી અડધી સદી
યુવરાજ અહીં જ અટક્યા નહોતા. તેમણે માત્ર 12 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તે સમયે આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હતો.યુવરાજે આ મેચમાં કુલ 16 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ હતા. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 218 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ઈંગ્લેન્ડને 18 રનથી હરાવ્યું હતું.યુવરાજને તેમના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
થોડા દિવસ પહેલાં યુવરાજે પણ ખાધા હતા 5 છગ્ગા
રસપ્રદ વાત એ છે કે બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યાના માત્ર 2 અઠવાડિયા પહેલાં યુવરાજે પણ એક ઓવરમાં 5 છગ્ગા ખાધા હતા.5 સપ્ટેમ્બર 2007ના રોજ ઈંગ્લેન્ડના ડિમિટ્રી મસ્કેરેન્હાસે યુવરાજની એક ઓવરમાં સતત 5 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ યુવરાજે 19 સપ્ટેમ્બરે બ્રોડ સામે 6 છગ્ગા ફટકારીને જાણે તેનો જવાબ આપી દીધો હતો.

T20 આંતરરાષ્ટ્રીયમાં આવું કરનાર પ્રથમ બેટર
સ્ટુઅર્ટ બ્રોડ સામે સતત 6 છગ્ગા ફટકારીને યુવરાજ સિંહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એક ઓવરની તમામ 6 બોલમાં છગ્ગા ફટકારનાર પ્રથમ બેટર બન્યા હતા.આ પહેલાં 2007માં જ દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સે વનડે ક્રિકેટમાં નેધરલેન્ડ્સ સામે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા.
19 વર્ષ બાદ પણ યાદગાર છે એ ઓવર
19 વર્ષ પસાર થઈ ગયા છે, T20 ક્રિકેટમાં અનેક નવા રેકોર્ડ બન્યા છે અને ઘણા પાવર હિટર ક્રિકેટ જગતમાં આવ્યા છે. તેમ છતાં 19 સપ્ટેમ્બર 2007નો યુવરાજનો એ તોફાની ઓવર આજે પણ ક્રિકેટ ચાહકોના મનમાં તાજો છે.આજે ભારતીય ક્રિકેટમાં પણ યુવરાજની પાવર હિટિંગની ઝલક જોવા મળે છે. તાજેતરમાં અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામે માત્ર 30 બોલમાં T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. યુવરાજ સિંહ અભિષેકના મેન્ટર પણ છે અને બંને વચ્ચે બેટિંગને લઈને વાતચીત થતી રહે છે.
આ પણ વાંચો – Abhishek Porelને કલકત્તા હાઈકોર્ટની રાહત, 36 દિવસ બાદ મળ્યા જામીન
