અમેરિકાની AI કંપની OpenAIની સાન ફ્રાન્સિસ્કો સ્થિત ઓફિસમાં જાસૂસી કરવાનો પ્રયાસ સામે આવ્યો છે. કંપનીના એક કર્મચારી પર અધિકારીઓની ગુપ્ત વાતચીત રેકોર્ડ કરવા માટે કોન્ફરન્સ રૂમમાં ટીવીની પાછળ રેકોર્ડિંગ ડિવાઇસ છુપાવવાનો આરોપ છે. કંપનીએ પોતાના AI મોડલની મદદથી આરોપીની ઓળખ કરી, ત્યારબાદ FBIએ સાઉદી નાગરિક અબ્દુલરહમાન અલફોઝાનની 9 ઓક્ટોબરે ધરપકડ કરી લીધી. ટોયલેટ પેપરમાં છુપાવીને રેકોર્ડર લગાવ્યું હતું OpenAI અનુસાર, 30 સપ્ટેમ્બરે કંપનીના કર્મચારીઓને સુરક્ષા તપાસ દરમિયાન આ ડિવાઇસ મળ્યું હતું. તેને ટીવીની પાછળના USB પોર્ટમાં લગાવવામાં આવ્યું હતું. ડિવાઇસ છુપાવવા માટે ટોયલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડિવાઇસમાં માઇક્રોફોન, કેમેરા સેન્સર અને ડેટા સ્ટોર કરવા માટે માઇક્રો SD કાર્ડ હતું. કંપની અનુસાર, તેને 28 સપ્ટેમ્બરની આસપાસ લગાવવામાં આવ્યું હતું. ડિવાઇસમાં રેકોર્ડિંગ લૉક હતું, તેથી તપાસકર્તાઓ તેને સાંભળી શક્યા નહોતા. AI ચેટબોટની પણ મદદ લીધી હતી અમેરિકન તપાસકર્તાઓનો આરોપ છે કે અલફોઝાને ડિવાઇસ લગાવવાની તૈયારી પહેલેથી કરી રાખી હતી. તેણે કંપનીના મીટિંગ રૂમ, અધિકારીઓના આવવા-જવાના સમય અને અન્ય કંપનીઓ સાથે યોજાનારી બેઠકો વિશે માહિતી એકઠી કરી હતી. તપાસકર્તાઓ અનુસાર, 24થી 30 સપ્ટેમ્બરની વચ્ચે તેણે પોતાની પત્નીના AI ચેટબોટ અકાઉન્ટ પર અનેક સવાલો પૂછ્યા હતા. તેમાં ડિવાઇસ કેવી રીતે બનાવવું, તેને ક્યાં અને કેવી રીતે લગાવવું, તેનાથી અવાજ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં, તેને કેવી રીતે છુપાવવું અને દૂરથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો જેવા સવાલો સામેલ હતા. જે મીટિંગ રૂમમાં ડિવાઇસ લગાવવામાં આવ્યું હતું, ત્યાં OpenAIના અધિકારીઓ ગોપનીય બાબતો પર ચર્ચા કરતા હતા. ફરિયાદ મુજબ, CCTV ફૂટેજમાં અલફોઝાન અનેક તારીખોએ આ રૂમની આસપાસ જોવા મળ્યો હતો. જ્યારે તેને ત્યાં જવા કે તે બેઠકોમાં સામેલ થવાની મંજૂરી નહોતી. બીજા રૂમમાં પણ રેકોર્ડિંગ ડિવાઇસ મળ્યું તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, 5 ઑક્ટોબરે CCTV ફૂટેજમાં અલફોઝાન કૉન્ફરન્સ રૂમમાં જઈને ટીવીની પાછળ જોતો જોવા મળ્યો હતો. તે જ દિવસે તેણે બીજા એક રૂમમાં પોતાની બેગ છોડી હતી. OpenAIના સુરક્ષા કર્મચારીઓએ બેગની તપાસ કરતાં તેમાં અલફોઝાનનું વૉલેટ, ઓળખપત્ર અને પહેલાં મળેલા ડિવાઇસ જેવું જ બીજું એન્ક્રિપ્ટેડ રેકોર્ડિંગ ડિવાઇસ મળ્યું. આરોપ છે કે બાદમાં અલફોઝાને પોતાની બેગ પાછી લીધી અને ફરિયાદ કરી કે તેનો કેટલોક સામાન ગુમ છે. જોકે, તેણે બીજા રેકોર્ડિંગ ડિવાઇસનો ઉલ્લેખ કર્યો નહોતો. દોષ સાબિત થાય તો 5 વર્ષ સુધીની જેલ 35 વર્ષીય અલ્ફોઝાન સાઉદી અરેબિયાના નાગરિક છે અને તેમને અમેરિકામાં કાયમી વસવાટ કરવાની પરવાનગી છે. તેઓ જુલાઈ 2025માં OpenAI સાથે જોડાયા હતા. 9 ઓક્ટોબરે ધરપકડ થયા બાદ મંગળવારે અલ્ફોઝાનને પ્રથમ વખત ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, દોષ સાબિત થાય તો તેમને 5 વર્ષ સુધીની જેલ, 2.5 લાખ ડોલર (લગભગ 2.3 કરોડ રૂપિયા) સુધીનો દંડ અને ત્રણ વર્ષ સુધી દેખરેખ હેઠળ રહેવાની સજા થઈ શકે છે. OpenAIએ નોકરીમાંથી કાઢ્યા, ડેટા ચોરીના પુરાવા નથી OpenAIએ કહ્યું કે હાલમાં તેને એવો કોઈ પુરાવો મળ્યો નથી, જેનાથી જાણવા મળે કે અલ્ફોઝાને કંપનીના AI મોડલના મૂળ ડેટા, સોર્સ કોડ અથવા ગ્રાહકોની માહિતી સુધી ગેરકાયદેસર રીતે પહોંચ બનાવી હતી અથવા તેને બહાર મોકલી હતી. ઘટનાના પગલે કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. અલ્ફોઝાન વેન્ચર કેપિટલ ફર્મ રાએદ વેન્ચર્સમાં પણ વેન્ચર પાર્ટનર છે. કંપનીની વેબસાઇટ મુજબ, OpenAIમાં તેઓ એન્જિનિયરિંગ લીડ હતા અને AI એજન્ટ્સ તથા ડેટા પ્લેટફોર્મ પર કામ કરતા હતા. આ પહેલાં અલ્ફોઝાન મેટા, માઇક્રોસોફ્ટ અને જર્મનીની એક સોફ્ટવેર કંપની SAPમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે MITમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
OpenAI ઓફિસમાં જાસૂસી કરવાનો પ્રયાસ કરનારની ધરપકડ:ટીવી પાછળ રેકોર્ડર લગાવ્યું હતું, AIની મદદથી સાઉદી નાગરિકની ઓળખ થઈ
📅 Published: October 14, 2026 |
📂 Category: International
