પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઘરઆંગણે રમાઈ રહેલી ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને ધૂળ ચટાડી દીધી છે. રાવલપિંડીના મેદાન પર રમાયેલી બીજી T20 મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 82 રનના વિશાળ અંતરથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ શાનદાર જીત સાથે પાકિસ્તાને પોતાની ધરતી પર સતત 5મી T20 શ્રેણી જીતવાનો મોટો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
મજ સદાકત અને કેપ્ટન ફરહાનનો પ્રચંડ રન વરસાદ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 215 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. પાકિસ્તાનની આ ધમાકેદાર બેટિંગના મુખ્ય હીરો મજ સદાકત અને કેપ્ટન સાહિબઝાદા ફરહાન રહ્યા હતા. શ્રીલંકા સામેનો 215 રનનો આ સ્કોર પાકિસ્તાનનો T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર બની ગયો છે. પાકિસ્તાનનો હાઈએસ્ટ સ્કોર 232 રન છે જે તેણે 2021માં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.
શ્રીલંકાને ભારે પડી ખરાબ ફિલ્ડિંગ અને કેચ ડ્રોપ
મેચ દરમિયાન શ્રીલંકાના ફિલ્ડરોએ ભયાનક ભૂલો કરી હતી. કેપ્ટન ફરહાન જ્યારે માત્ર 11 રન પર હતો ત્યારે તેનો એક સરળ કેચ છોડ્યો હતો, જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. આ સિવાય મજ સદાકતને પણ 44 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું. આ બંને જીવનદાન શ્રીલંકા માટે હારનું મુખ્ય કારણ બન્યા હતા.
મોહમ્મદ ઇમરાનની ઘાતક બોલિંગ સામે શ્રીલંકા ઘૂંટણિયે
216 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ પાકિસ્તાનની ઘાતક બોલિંગ સામે પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ હતી અને 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 133 રન જ બનાવી શકી હતી. પોતાની કરિયરની બીજી જ મેચ રમી રહેલા પાકિસ્તાની બોલર મોહમ્મદ ઇમરાને માત્ર 4 ઓવરમાં 11 રન આપીને 3 મહત્વની વિકેટો (સીનેથ જયવર્ધને, કેપ્ટન કુસલ મેન્ડિસ અને સહાન આરાચિગે) ઝડપીને શ્રીલંકાની કમર તોડી નાખી હતી. શ્રીલંકા તરફથી મહેશ તીક્ષ્ણાએ સૌથી વધુ અણનમ 32 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – IND vs WI: ગંભીર-શ્રેયસ ઐયરનો એવો માસ્ટરસ્ટ્રોક… કે જોત જોતામાં વેસ્ટ ઇન્ડિઝ હારી ગયું
