અખિલ ભારતીય આંજણા(પટેલ) સમાજ યુવા મહાસંગઠન દ્વારા પાલનપુરના ચડોતર ખાતે ભારતભરના ચૌધરી સમાજનું એક ઐતિહાસિક અને ભવ્ય મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ મહાઆયોજનને અભૂતપૂર્વ સફળ બનાવવા માટે પાલનપુર પાસેના ચડોતર ગામ ખાતે રવિવારે સવારે સમાજના સૌ ઉત્સાહી યુવાનો, મિત્રો અને આગેવાનો એકત્રિત થયા અને એક વિશેષ આયોજન બેઠક યોજી હતી. અખિલ ભારતીય આંજણા(પટેલ) સમાજ યુવા મહાસંગઠન દ્વારા સમાજની એકતા, શિક્ષણ, રમતગમત, સંસ્કાર અને યુવા સશક્તિકરણના મુખ્ય એજન્ડા સાથે આગામી સમયના કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી હતી. જેના ભાગરૂપે આગામી તા. 15મી નવેમ્બર, 2026ના રોજ સાંજે 06 કલાકે ભારતભરના ચૌધરી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાશે અને 15થી 18 નવેમ્બર દરમ્યાન ડે-નાઈટ ખેલ-મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય આંજણા(પટેલ) સમાજ યુવા મહાસંગઠન દ્વારા દેશભરના ચૌધરી સમાજને એક મંચ પર જોડવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે સંગઠન મજબુત કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ અંતર્ગત દરેક તાલુકામાંથી 10 યુવાનોની કમિટી બનાવવામાં આવશે અને દર બે-ત્રણ તાલુકા દીઠ બેઠકો યોજાશે. જેમાં દરેક ગામમાંથી પથી 10 યુવાનો હાજર રહેશે. નવરાત્રિ પછી પાલનપુર, વડગામ, ડીસા, દાંતા, દાંતીવાડા, થરાદ, વાવ, ધાનેરા, ભાભર, ધરણીધર, દિયોદર, કાંકરેજ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને નવસારી સહિત સમગ્ર ભારતભરમાં જ્યાં ચૌધરી સમાજના લોકો વસે છે ત્યાં આ પ્રકારની બેઠકોનું આયોજન કરાશે. સંગઠન દ્વારા સમાજ ઉત્થાન માટે 9 મુખ્ય વિષયો પર કામ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં દેશભરના આંજણા સમાજને એકતાના તાંતણે બાંધવો, નવી પેઢી માટે લીડરશિપ અને વોલન્ટિયર નેટવર્ક તૈયાર કરવું, ખેલ-મહાકુંભ દ્વારા ક્રિક્રેટ, કબડ્ડી, વોલીબોલ, રસ્તા ખેંચ વગેરે જેવી રમતોને પ્રોત્સાહન આપવું., યુપીએસસી, જીપીએસસી, પોલીસ, ડિફેન્સ અને સરકારી નોકરીઓ માટે માર્ગદર્શન તેમજ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ/મેમ્બરશિપની વ્યવસ્થા., સફળ ઉદ્યોગપતિઓ સાથે યુવાનોનું નેટવર્કિંગ અને સ્વરોજગારની તકો., સંસ્કાર, શિક્ષણ અને રમતગમત દ્વારા મહિલાઓ તથા દીકરીઓનું સશક્તિકરણ., યુવાનોમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલી, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું બહુમાન. તથા રક્તદાન, આરોગ્ય કેમ્પ અને જરૂરીયાતમંદ પરિવારોને મદદ કરવી. બેઠકમાં સમાજના વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર કામગીરી કરતા અને હોદ્દો ધરાવતા વ્યક્તિઓ મોટી સંખ્યામાં રવિવારે અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો દરમ્યાન ભારે જહેમત ઉઠાવી અને તેને સફળ બનાવશે તેવી ખાતરી આપી હતી.
Palanpur : ચડોતરમાં ચૌધરી સમાજનું યુવા મહાસંમેલન યોજાશે
📅 Published: October 4, 2026 |
📂 Category: gujarati-news
