રામ રાખે તેને કોણ ચાખેક્ર ઉક્તિને સાર્થક કરતો એક ભયાનક અકસ્માત બોડેલી-ડભોઈ રોડ પર પીઠા ગામ નજીક સર્જાયો હતો. રેતી ભરેલી ટ્રકે પાછળથી કારને જોરદાર ટક્કર મારતાં કાર આગળ ચાલી રહેલી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે, કારમાં સવાર NGO કમલેશભાઈ બી. પટેલનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જંગલ ખાતામાં ફરજ બજાવતા કમલેશભાઈ બી. પટેલ પોતાની કાર લઈને છોટાઉદેપુરથી મહેસાણા તરફ્ જઈ રહ્યા હતા. દરમિયાન બોડેલીના પીઠા ગામ નજીક તેમની કારની આગળ વડોદરા તરફ્ જતી એક ટ્રક પસાર થઈ રહી હતી. આ સમયે આગળની ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળથી રેતી ભરીને આવતી ટ્રકના ચાલકને સમયસર બ્રેક મારવાની તક મળી નહોતી. પરિણામે રેતી ભરેલી ટ્રક કાર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર આગળ ચાલી રહેલી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી અને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ કારની હાલત જોઈને જ તેની ભયાનકતાનો અંદાજ આવી રહ્યો હતો. અકસ્માત સર્જાતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કારમાં ફ્સાયેલા કમલેશભાઈ ને બહાર કાઢયા હતા. સદનસીબે, કારનો કચ્ચરઘાણ વળી જવા છતાં કમલેશભાઈને માત્ર નાની મોટી બીજાઓ થઈ હતી કોઈ ગંભીર ઈજા થઈ નહોતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.
