પાટણના હાસાપુર વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં ભોગ બનનાર તરફથી વધુ વિગતો સામે આવી છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ, તેઓ જીમમાં જવા માટે કારમાંથી નીચે ઊતર્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. બંને શખ્સોએ મોઢું બાંધેલું હતું અને ચાલુ બાઈક પર જ ગોળીઓ ચલાવી હતી.
શરૂઆતમાં 3 રાઉન્ડ ફાયરિંગ, કુલ 6 ગોળીઓ ચલાવ્યાનો દાવો
ભોગ બનનારના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ શરૂઆતમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેમણે પાછળ ફરીને ફાયરિંગ કરનારા શખ્સોને ઊભા રહેવા કહ્યું હતું. જોકે, હુમલાખોરો રોકાયા નહોતા અને બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારે કુલ 6 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું હોવાનો દાવો કર્યો છે.
પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી
ઘટનાને લઈને પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ, પોલીસ તરફથી તેમને પૂરતો સહકાર મળ્યો છે અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.
કોઈની સાથે જૂની અદાવત ન હોવાનો દાવો
ભોગ બનનારે જણાવ્યું હતું કે તેમની કોઈની સાથે મોટી જૂની અદાવત નથી. આ ઘટનામાં કોઈના નામે પુરાવા વિના આક્ષેપ કરવા તેઓ ઇચ્છતા નથી. પોલીસ તપાસમાં જ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ
ભોગ બનનારે ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સોને વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરી છે. સાથે જ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. હાલ ફાયરિંગ પાછળનું કારણ અને હુમલાખોરોની ઓળખ અંગે પોલીસ તપાસ મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો : Jasdan: પાટીદાર આંદોલન અંગે દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ, “ સારા મુખ્યમંત્રીને સત્તામાંથી ઉતારવા પડ્યા “
