PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો'

📅 Published: September 3, 2026 | 📂 Category: India National

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં તેમણે જળ જીવન મિશન સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજમાં કતારમાં ઊભેલા અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન જરૂરી

PM મોદીએ જળ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓને સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પરસ્પર સંકલન સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન તેમજ એકબીજાના અનુભવો અને સફળ પ્રયાસોની આપ-લે જરૂરી છે. વડાપ્રધાને રાજ્યોને એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસ અને સફળ મોડલમાંથી શીખવા અને પોતાના રાજ્યની જરૂરિયાત પ્રમાણે તેનો અમલ કરવા પણ સૂચના આપી હતી. તેમણે યોજનાઓના અમલીકરણની અસરકારક દેખરેખ અને લોકો સુધી તેનો વાસ્તવિક લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

ભાજપ અધ્યક્ષ તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા

આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી. તે પહેલાં ભાજપ મુખ્યાલય ખાતે જળમંત્રીઓ અને સંબંધિત નેતાઓ સાથે આશરે પાંચ કલાકની બેઠક ચાલી હતી. ત્યારબાદ ભાજપ અધ્યક્ષ નીતિન નવીન તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા હતા. આ અગાઉ નીતિન નવીને ‘જળ મંથન’ કાર્યક્રમ હેઠળ ભાજપ શાસિત રાજ્યોના જળ સંસાધન મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આંતરરાજ્ય સંકલન અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના આદાન-પ્રદાન અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.

આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી 

નીતિન નવીને જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વ હેઠળ દેશના કરોડો પરિવારો સુધી નળથી પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું છે. તેમણે લાંબા ગાળાની નીતિ અને આયોજન પર ભાર મૂકતા કહ્યું કે ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી છે. કેન્દ્ર સરકાર, રાજ્યો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેના સંકલનથી યોજનાઓનું વધુ સારું આયોજન, અમલીકરણ અને મોનિટરિંગ થઈ શકે અને તેનો મહત્તમ લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી શકાય તે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.

આ પણ વાંચો : S Jaishankar યુક્રેનના વિદેશપ્રધાનને મળ્યા, કહ્યું ‘યુદ્ધનો અંત હવે જરૂરી’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *