દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા કરવામાં આવેલી વિદેશ યાત્રાઓના વિગતવાર રેકોર્ડ જાહેર કરવાના કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે આ માહિતી જાહેર કરવાથી રાષ્ટ્રીય સુરક્ષા અને વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા સામે જોખમ ઊભું થઈ શકે છે.
RTI દ્વારા વિદેશ યાત્રાની વિગતો માગવામાં આવી હતી
આ મામલો નિવૃત્ત કોમોડોર લોકેશ કે. બત્રા દ્વારા જૂન 2018માં દાખલ કરવામાં આવેલી RTI અરજીથી શરૂ થયો હતો. તેમણે 1 એપ્રિલ, 2013થી વડાપ્રધાનોની ભારતીય વાયુસેનાના વિમાનોમાં થયેલી વિદેશ યાત્રાઓની વિગતો માગી હતી. અરજીમાં સ્પેશિયલ ફ્લાઇટ રિટર્ન્સ (SFR)ના ભાગ-1 અને ભાગ-2ની પ્રમાણિત નકલો પણ માગવામાં આવી હતી. આ દસ્તાવેજોમાં વિમાન, ક્રૂ, મુસાફરો અને વડાપ્રધાન સાથે મુસાફરી કરતા સુરક્ષાકર્મીઓ સહિતની વિગતો હોઈ શકે છે. વાયુસેનાએ સુરક્ષાના કારણોસર આ દસ્તાવેજો જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ અરજદારે કેન્દ્રીય માહિતી આયોગનો સંપર્ક કર્યો હતો.
CICએ 2020માં રેકોર્ડ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો
8 જુલાઈ, 2020ના રોજ કેન્દ્રીય માહિતી આયોગે ભારતીય વાયુસેનાને ઉપલબ્ધ સંબંધિત SFR-II રેકોર્ડની પ્રમાણિત નકલો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આયોગે સુરક્ષાકર્મીઓનાં નામ અને ઓળખ દર્શાવતી વિગતો દૂર કરીને માહિતી આપવાનું કહ્યું હતું. જોકે, વાયુસેનાએ આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. વાયુસેનાનું કહેવું હતું કે નામ અને ઓળખની વિગતો હટાવી દેવામાં આવે તો પણ દસ્તાવેજોમાં રહેલી અન્ય માહિતીના આધારે સુરક્ષા વ્યવસ્થા વિશે અંદાજ લગાવી શકાય છે.
સુરક્ષાકર્મીઓની વિગતો જાહેર થવાનો ખતરો
વાયુસેનાએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ રેકોર્ડમાં વિમાન, ક્રૂ, મુસાફરોની સંખ્યા, તેમની હોદ્દા સંબંધિત માહિતી, ફ્લાઇટની વિગતો અને વડાપ્રધાન સાથે રહેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના કર્મચારીઓ વિશેની સંવેદનશીલ માહિતી સામેલ છે. કોર્ટના મતે, આ વિગતોને અન્ય જાહેરમાં ઉપલબ્ધ માહિતી સાથે જોડીને જોવામાં આવે તો વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા અને તેમની સાથે મુસાફરી કરતા સુરક્ષાકર્મીઓની તૈનાતી અંગે માહિતી મળી શકે છે. માત્ર નામ અને ઓળખ દૂર કરવાથી આ જોખમ સંપૂર્ણપણે દૂર થતું નથી.
જાહેર નાણાં ખર્ચાયાં હોય તો પણ બધી માહિતી જાહેર ન થાય
RTI અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે વડાપ્રધાનની વિદેશ યાત્રાઓમાં જાહેર નાણાં ખર્ચાય છે, તેથી આ ખર્ચ સાથે જોડાયેલી વિગતો જાહેર હિતમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમની માગ સુરક્ષાકર્મીઓની ઓળખ જાણવા માટે નહીં, પરંતુ વડાપ્રધાન સાથે જાહેર ખર્ચે મુસાફરી કરનારા અન્ય લોકોની વિગતો જાણવા માટે હતી. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર જાહેર નાણાં ખર્ચાયાં હોવાના આધારે એવી માહિતી જાહેર કરવી યોગ્ય નથી, જે સુરક્ષા વ્યવસ્થાને જોખમમાં મૂકી શકે.
RTI કાયદાની કઈ જોગવાઈઓનો ઉલ્લેખ થયો?
દિલ્હી હાઈકોર્ટે માહિતી અધિકાર કાયદા (RTI Act), 2005ની કલમ 8(1)(a) અને 8(1)(g)નો ઉલ્લેખ કર્યો હતો. આ જોગવાઈઓ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે અથવા કોઈ વ્યક્તિના જીવન અને શારીરિક સુરક્ષા સામે જોખમ ઊભું કરી શકે તેવી માહિતી જાહેર કરવામાંથી છૂટ મળી શકે છે. જસ્ટિસ અમિત મહાજને વાયુસેનાની અરજી સ્વીકારીને CICનો 2020નો આદેશ રદ કર્યો હતો. આ સાથે અદાલતે સ્પષ્ટ કર્યું કે માહિતી મેળવવાનો અધિકાર સંપૂર્ણપણે નિરપેક્ષ નથી અને તેને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્ત્વના હિતો સાથે સંતુલિત કરવો પડે છે.
આ પણ વાંચો: Delimitation Bill: રિજિજુએ ખડગેને લખ્યો પત્ર, કોંગ્રેસને કહી દીધી મોટી વાત!
