વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે પધાર્યા છે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાથી લઈને નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) સુધી વિકાસકાર્યો અને સાંસ્કૃતિક ઉત્સવોનો અનોખો સંગમ જોવા મળશે. પીએમ મોદી બનાસકાંઠાના ભીલડી ખાતેથી રાજ્યભર માટે ₹14 હજાર કરોડથી વધુના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જ્યારે દેશભરના કરોડો ખેડૂતો માટે ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજના અંતર્ગત 24મા હપ્તાની રકમ સીધી બેંક ખાતામાં જમા કરાવશે. આ ઉપરાંત, બે નવી પેસેન્જર ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
બનાસકાંઠા – ભીલડીમાં રોડ-શો અને ભવ્ય વિકાસ ભેટ
સવારે 8:30 કલાકે પીએમ મોદી ડીસા એરપોર્ટ ખાતે આગમન કરશે, જ્યાંથી ભવ્ય રોડ-શો યોજાશે. સ્થાનિક જનમેદની દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.સવારે 9: 00 કલાકે: ભીલડી ખાતે પહોંચી 127 એકર વિશાળ ક્ષેત્રફળમાં આકાર પામેલા અદ્યતન ‘BBBRC કેટલ ફાર્મ’ (બોવાઈન બ્રીડીંગ રિસર્ચ સેન્ટર) ની મુલાકાત લેશે. સાથે જ અદ્યતન ET IVF લેબનું નિરીક્ષણ કરશે.યુવા, મહિલા અને સૈનિક સ્કૂલના બાળકો સાથે સંવાદ, પીએમ મોદી બનાસકાંઠા સૈનિક સ્કૂલના બાળકો, પશુપાલક મહિલાઓ અને સ્થાનિક યુવાનો સાથે વિશેષ સંવાદ સાધશે. જાહેર મહાસભા અને યોજનાઓ: ભીલડી ખાતેથી વિશાળ જનમેદનીને સંબોધિત કરી પીએમ કિસાન નિધિના 24મા હપ્તાને રિલીઝ કરશે, બે નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે અને ₹14 હજાર કરોડથી વધુના કામો ખુલ્લા મૂકશે.બપોરે ભીલડીથી પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે.
એકતાનગર – કેવડિયા સંસ્કૃતિ અને નર્મદા આરતી
સાંજે 4:30 કલાકે: પીએમ મોદી વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ કેવડિયા (એકતાનગર) પહોંચશે.ભારત પર્વ પેવેલિયન અને આનંદ મઠ, કેવડિયામાં ‘ભારત પર્વ પેવેલિયન’ની મુલાકાત લેશે અને કલ્ચર ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાષ્ટ્રભાવનાથી સભર ‘આનંદ મઠ’ નાટકના વિશેષ મંચનમાં ઉપસ્થિત રહેશે.સાંજે 7:00 કલાકે ઝગમગતા ‘એકતા પ્રકાશ પર્વ’માં સહભાગી થશે.સાંજે 7:30 કલાકે ઐતિહાસિક નર્મદા ઘાટ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે મા નર્મદાની ભવ્ય મહાઆરતી સંપન્ન કરશે.રાત્રિ રોકાણ વડાપ્રધાન રાત્રિ રોકાણ કેવડિયા (નર્મદા) ખાતે કરશે.
