પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામે સ્થાનિક બુટલેગરોના ત્રાસ અને ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડાઓથી ત્રાસીને આખરે ગ્રામજનો અને આગેવાનોએ કડક પગલાં ભરવાની ફરજ પડી હતી. ગામમાં અસામાજિક તત્વો દ્વારા ઝૂંપડા બાંધીને ગેરકાયદે વિદેશી અને દેશી દારૂનો વેપાર બેરોકટોક ચલાવવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષે ભરાયેલા ગામના જાગૃત આગેવાનો જાતે જ મેદાને આવ્યા હતા.
સ્થળ પર પહોંચી આગેવાનોએ કરી ‘જનતા રેડ’
ગામમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે સ્થાનિક આગેવાનોએ એકસંપ થઈને દારૂના અડ્ડા પર અચાનક ‘જનતા રેડ’ કરી હતી. દારૂના આ અડ્ડા પર પહોંચેલા આગેવાનો અને ત્યાં દારૂનો ધંધો ચલાવતી યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ જોવા મળ્યું હતું. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્રામજનો ખુલ્લેઆમ ચાલી રહેલા આ કારોબારનો વિરોધ કરી રહ્યા છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકરોષ અને સવાલો
આ સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં સ્થાનિક પોલીસ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, પોલીસની રહેમનજર કે બેદરકારીના કારણે જ ગામડાઓમાં દારૂના અડ્ડાઓ ફૂલીફાલી રહ્યા છે. પોલીસ દ્વારા અગાઉથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે નાગરિકોએ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહીની ઉગ્ર માગ
જનતા રેડ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ ઉગ્ર માગ કરવામાં આવી છે કે, આ પ્રકારે ચાલતા તમામ દારૂના અડ્ડાઓ પર સખત રેડ કરવામાં આવે અને સંડોવાયેલા શખ્સો સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે, જેથી યુવાધન બરબાદ થતું અટકે.
આ પણ વાંચો: Porbandar News: રાણાવાવમાંથી દેશી તમંચા સાથે આરોપી ઝડપાયો,બે વર્ષથી પોલીસને થાપ આપતો હતો
