Prithvi Shawની યોગરાજ સિંહને છેલ્લી ચેતવણી, કાનૂની કાર્યવાહી કરવાની ધમકી

📅 Published: November 23, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને પૂર્વ ક્રિકેટર અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ વચ્ચે નિવેદનબાજીનો મામલો હવે કાનૂની કાર્યવાહીની ચેતવણી સુધી પહોંચી ગયો છે. યોગરાજ સિંહે તાજેતરમાં શૉની કારકિર્દીમાં આવેલા ઉતાર માટે તેની જીવનશૈલીને જવાબદાર ગણાવી હતી. તેમણે શૉની સરખામણી પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી સાથે પણ કરી હતી. આ ટિપ્પણીઓ બાદ શૉએ સોશિયલ મીડિયા પર પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તેના ભૂતકાળને લઈને કોઈને પણ ખોટી કે બદનામ કરનારી વાતો ફેલાવવાનો અધિકાર નથી. શૉએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આવી હરકતો ચાલુ રહેશે તો તે કાનૂની પગલાં ભરતાં અચકાશે નહીં. 

યોગરાજ સિંહે શૉની સરખામણી વિનોદ કાંબલી સાથે

આ સમગ્ર વિવાદની શરૂઆત યોગરાજ સિંહના એક ઇન્ટરવ્યૂથી થઈ હતી. સ્પોર્ટ્સ લોન્ચપેડ સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે એક સમયે ભારતીય ક્રિકેટનું મોટું ભવિષ્ય ગણાતો પૃથ્વી શૉ પોતાની કારકિર્દીમાં પાછળ કેમ રહી ગયો?

આ સવાલના જવાબમાં યોગરાજે વિનોદ કાંબલીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાંબલી પાસે પણ અપાર પ્રતિભા હતી, પરંતુ પાર્ટી, દારૂ, ધૂમ્રપાન અને ખરાબ સંગત જેવી બાબતોએ તેની કારકિર્દીને અસર કરી હતી. યોગરાજના મતે શૉ સાથે પણ કંઈક આવું જ થયું છે. તેમણે શૉની જીવનશૈલી અને તેની કારકિર્દીના ઉતાર વચ્ચે સીધો સંબંધ હોવાનો દાવો કર્યો હતો.

શૉએ કહ્યું- ભૂતકાળ છુપાવવાનો નથી

યોગરાજની ટિપ્પણીઓ બાદ પૃથ્વી શૉએ ઇન્સ્ટાગ્રામ પર નિવેદન જાહેર કર્યું હતું. શૉએ કહ્યું કે તેનો ભૂતકાળ તેના જીવનનો એક ભાગ છે અને તેને છુપાવવા કે તેના માટે શરમ અનુભવવાની કોઈ જરૂર નથી. જોકે, કોઈ વ્યક્તિ તેના નામ, અંગત જીવન કે ભૂતકાળનો ઉપયોગ કરીને નકારાત્મકતા ફેલાવે, વિવાદ ઊભો કરે અથવા તેની છબીને નુકસાન પહોંચાડે તે તે સહન કરશે નહીં. શૉએ વધુમાં કહ્યું કે કોઈના વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો અને જાણીજોઈને ખોટી, ભ્રામક કે બદનામ કરનારી વાતો ફેલાવવી એ બંને અલગ બાબતો છે. તેના મતે, આવી ટિપ્પણીઓ માત્ર ચર્ચા માટે નહીં પરંતુ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી રહી છે.

‘આ છેલ્લી ચેતવણી છે’

પોતાના નિવેદનમાં શૉએ કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે તેની વિરુદ્ધ ખોટી, ભ્રામક, બદનામ કરનારી કે દુર્ભાવનાપૂર્ણ સામગ્રી ફેલાવનાર કોઈપણ વ્યક્તિ અથવા પ્લેટફોર્મ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી થઈ શકે છે. તેણે પોતાની ગરિમા, અંગત જીવન અને પ્રતિષ્ઠાની સુરક્ષા માટે ઉપલબ્ધ તમામ કાનૂની રસ્તા અપનાવવાનો અધિકાર પણ જાળવી રાખ્યો છે.

શૉએ સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી તેનું મૌન તેની નબળાઈ ન ગણવું. તે સન્માન સાથે આગળ વધવા માગે છે, પરંતુ જરૂર પડ્યે પોતાની સામે થઈ રહેલા હુમલાનો જવાબ આપવા તૈયાર છે. જોકે, શૉએ પોતાના નિવેદનમાં યોગરાજ સિંહ સામે કાનૂની નોટિસ કે કેસ દાખલ કર્યો હોવાની જાહેરાત કરી નથી. હાલ તેણે આવી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

શૉની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પણ સવાલ

પૃથ્વી શૉએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પદાર્પણ કર્યું હતું અને પોતાની પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. એક સમયે તેને ભારતીય ક્રિકેટનું મોટું ભવિષ્ય માનવામાં આવતો હતો. જોકે, ત્યારબાદ તે સતત ટીમમાં સ્થાન જાળવી શક્યો નથી. તેણે ભારત માટે અત્યાર સુધી 5 ટેસ્ટ, 6 ODI અને એક T20I મેચ રમી છે. તે છેલ્લે 2021માં ભારત તરફથી રમ્યો હતો.

આ પણ વાંચો: Australiaને સેન્ડપેપર કાંડ યાદ અપાવવાની હિંમત માત્ર આ ભારતીયમાં! અશ્વિને નામ આપ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *