રાજકોટ શહેર નજીક આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી એક છાત્રાએ હોસ્ટેલ બિલ્ડિંગના 10મા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો છે. હોસ્ટેલ કેમ્પસમાં અચાનક બનેલી આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને યુનિવર્સિટી સંચાલકોમાં ભારે અરેરાટી અને ખળભળાટ વ્યાપી ગયો હતો.
મૂળ દક્ષિણ ભારતની હતી વિદ્યાર્થીની, પ્રેમ પ્રકરણની ચર્ચા
બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક વિદ્યાર્થીની મૂળ દક્ષિણ ભારતના રાજ્યની વતની હતી અને અહીં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આવી હતી. આ ઘટના બન્યા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે વિદ્યાર્થીનીએ પ્રેમ પ્રકરણમાં ઉદ્ભવેલા માનસિક તણાવ કે વિવાદના કારણે આ આકરું પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તુરંત મારવાડી યુનિવર્સિટી કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીનીના રૂમની તલાશી લેવામાં આવી રહી છે અને તેના મોબાઈલ કોલ ડિટેઈલ્સ તેમજ કેમ્પસના CCTV ફૂટેજ મેળવીને પોલીસે આપઘાતના સાચા કારણો શોધવા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad News : દિલ્હી IGI એરપોર્ટ પર કસ્ટમ્સનો મોટો દરોડો, દુબઈથી લાવવામાં આવતું 2.168 કિલો સોનું ઝડપાયું
