રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા હેઠળ આવેલા ભાયાવદર ટાઉનમાં પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ભાયાવદર પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઓનલાઇન દવાના વેચાણ સાથે સંકળાયેલા કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ગેરકાયદે નેટવર્ક સામે પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને તપાસ તેજ બનાવી છે.
અલગ અલગ ત્રણ સ્થળો પર ઓચિંતા દરોડા
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉનમાં ગેરકાયદે ધમધમી રહેલા કોલ સેન્ટરો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાયાવદર પોલીસ દ્વારા નગરમાં અલગ અલગ ત્રણ સ્થળો પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ભાયાવદરના ઉમિયા નગર તેમજ સિનેમા રોડ પર આવેલી ઓફિસ અને મતવા શેરીમાં આવેલા એક રહેણાંક મકાનમાં છૂપી રીતે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું.
સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની દવાઓનું ઓનલાઇન વેચાણ
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય સ્થળો પરથી સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની દવાઓનું ઓનલાઇન વેચાણ કરવાના બહાને આ ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવવામાં આવતા હતા.
10 આરોપીઓની તાત્કાલિક ધરપકડ
પોલીસે આ સ્થળો પર એકસાથે ત્રાટકીને સ્થળ પર હાજર રહેલા 10 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત સ્થળ પરથી કામગીરીમાં વપરાતા કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 5,16,700 ની કિંમતનો તમામ મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યો છે.
અન્ય 5 આરોપીઓને પકડવાના બાકી
પોલીસ કાર્યવાહીમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દરોડાની આ કાર્યવાહીમાં હજુ અન્ય 5 આરોપીઓને પકડવાના બાકી હોવાથી તેમને ઝડપી લેવા માટે પણ તપાસનો દોર આગળ વધારાયો છે. ભાયાવદર જેવા શાંત અને નાનકડા ગામમાં આ પ્રકારે ત્રણ અલગ અલગ જગ્યાએ ગેરકાયદે કોલ સેન્ટરો પકડાતાં સ્થાનિક સ્તરે મોટો ચકચાર મચી ગયો છે અને આ બાબત સમગ્ર ભાયાવદરમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.
આ પણ વાંચો : CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કઇ શરતો હેઠળ મળ્યા જામીન ? કોર્ટને શું આપી બાંહેધરી ?
