Rajkot: સાટાખતના નામે દસ્તાવેજ કરાવી ખેડૂતોને કંગાળ બનાવ્યા! અલ્પેશ દોંગા ટોળકી સામે વધુ 8 ગુના નોંધવાની તજવીજ તેજ

📅 Published: October 2, 2026 | 📂 Category: Crime

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા થોડા સમય પહેલાં પકડાયેલા બોગસ કોલ સેન્ટર મામલે દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ આખા નેટવર્કના મુખ્ય સૂત્રધાર એવા કુખ્યાત આરોપી અલ્પેશ દોંગાનો પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો છે. સાથે જ તેના મુખ્ય ભાગીદાર અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકીએ સેંકડો ભોળા ખેડૂતોને સસ્તી લોનની લાલચ આપી અંદાજે ૪૦ કરોડથી વધુની જમીનો પચાવી પાડી હોવાનો ખેલ સામે આવ્યો છે.

સસ્તી લોનની લાલચ આપી સીધા વેચાણ દસ્તાવેજ કરાવી લેતા

અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરીની સિન્ડિકેટ કોલ સેન્ટર મારફતે ખેડૂતોનો સંપર્ક કરતી હતી. ખેડૂતોને તેમના ૭/૧૨ અને ૮-અ ના આધારે સાવ સસ્તા વ્યાજદરે લોન અપાવવાનું ઝાંઝવા સમાન સપનું બતાવવામાં આવતું હતું. ત્યારબાદ ખેડૂતોને સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે બોલાવી, સાટાખતના બહાને વિશ્વાસઘાત કરી સીધા પાકા વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવતા હતા. ખેડૂતોના ખાતામાં માત્ર જંત્રી મુજબની રકમ ઓનલાઇન જમા કરાવી જમીન પોતાના નામે કરી લેતા હતા.અલ્પેશ સામે અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં ૭, ગ્રામ્યમાં ૭ અને જામનગરમાં ૨ મળી કુલ ૧૬ ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે વધુ ૮ ગુના (૪ શહેરમાં અને ૪ ગ્રામ્યમાં) દાખલ કરવાની પ્રક્રિયા તેજ કરી દેવાઈ છે.

ઈમેજ મેકઓવરનો ગજબ પેંતરો

ઠગાઈ દ્વારા મેળવેલા કાળા નાણાંને વ્હાઈટ કરવા અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ઊભી કરવા અલ્પેશ અગાઉ સુરતના વેસુ અને ભાવનગરમાં મોટા ધાર્મિક-સામાજિક કાર્યક્રમો કરી ચૂક્યો છે. આ વખતે આગામી 20 ડિસેમ્બર 2026ના રોજ ગીતા જયંતી નિમિત્તે તેણે અમદાવાદમાં ભગવદ્ ગીતા સંદર્ભે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ઘડ્યું હતું.

ધાર્મિક કાર્યક્રમો પાછળ ગ્રાહકોને ફસાવતા

આ કાર્યક્રમમાં માત્ર ‘ગીતા’ નામ ધરાવતી 20,000 મહિલાઓને એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો. રાજકોટ અને અમદાવાદના કોલ સેન્ટરમાંથી 4,800 જેટલી ‘ગીતા’ નામની મહિલાઓનો ડેટા પણ મળી આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમો પાછળનો અસલ મકસદ પોતાની છબી સુધારી નવા નિર્દોષ ગ્રાહકોને ફસાવવાનો હતો, જેનો હવે પોલીસે પર્દાફાશ કરી દીધો છે.

આ પણ વાંચો: Bhavnagar: ફેસબુક રીલ્સ જોતાં લાગ્યો 23 લાખનો ચૂનો; જૂના સિક્કાના કરોડો રૂપિયા મેળવવાની લાલચમાં નિવૃત્ત પોસ્ટમેન કંગાળ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *