રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. અશ્વિન રામાણી પર મહિલા રેસિડેન્ટ તબીબ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા, ગાળો ભાંડવા તેમજ મારમારી કરવાનો ગંભીર આક્ષેપ થયો હતો. એક વૃદ્ધ માજીને ઈમરજન્સી વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવા અંગે ડૉ. ક્રિશા શિંગાળાએ રજૂઆત કરી હતી.
પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ
પરંતુ ડૉ. રામાણીએ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાનું કહેતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં જુનિયર અને રેસિડેન્ટ ડોક્ટરો ઈમરજન્સી વોર્ડ બહાર ધરણા પર બેસી ગયા હતા. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ડૉ. અશ્વિન રામાણી વિરુદ્ધ BNS ની કલમ 115(2), 352 અને 351(2) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતાં તબીબોએ હડતાળ સમેટી લીધી છે.
ડૉ. અશ્વિન રામાણીને સસ્પેન્ડ કરવા માંગ
મહિલા તબીબ સાથે ઈમરજન્સી રૂમમાં જ થયેલા દુર્વ્યવહાર બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ ડૉ. અશ્વિન રામાણીને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવાની આક્રમક માંગ કરી હતી. વારંવારની રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ ન આવતાં તબીબો રોષે ભરાયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ થતાં જ જુનિયર તબીબોએ પોતાનું આંદોલન સમેટીને ત્વરિત પોતાની દર્દી સેવા અને ફરજ પર પરત ફરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા અન્ય દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
RMO અને ડીન જુનિયર તબીબો સાથે યોજશે બેઠક
આ સમગ્ર વિવાદ અને હોસ્પિટલમાં સર્જાયેલી સ્થિતિને થાળે પાડવા માટે હોસ્પિટલ પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે સિવિલ હોસ્પિટલના RMO (આરએમઓ) તેમજ મેડિકલ કોલેજના ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓ જુનિયર તબીબો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને અને તબીબોની સુરક્ષા જળવાઈ રહે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
