Rajkot News: તહેવારો પહેલા જ મનપાનો આરોગ્ય વિભાગ એક્શનમાં, ફરાળી વાનગીઓ વેચતી 45 પેઢીઓ પર ચેકિંગ

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.તહેવારો અને ઉપવાસના દિવસોને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમોએ શહેરમાં ખાદ્ય પદાર્થો અને ખાસ કરીને ફરાળી વાનગીઓનું ઉત્પાદન તથા વેચાણ કરતી અલગ અલગ 45 પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી.આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને અનેક સ્થળોએથી ભારે ગેરરીતિ અને અસ્વચ્છતા જોવા મળી હતી. 

12000ના દંડની વસૂલાત પણ કરવામાં આવી

ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પર જ તપાસ કરીને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા અંદાજિત 206 કિલો અખાદ્ય, વાસી અને ગુણવત્તા વગરના ખાદ્ય સામગ્રીના જથ્થાનો ત્વરિત નાશ કરાવ્યો હતો.આ ઉપરાંત,રસોડામાં તથા સંગ્રહ સ્થાન પર હાઇજીન અને સ્વચ્છતાના નિયમોનું યોગ્ય પાલન ન કરતી 5 વેપારી પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. નિયમોનો ભંગ કરનારા અને અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય પદાર્થો બનાવતા વેપારીઓ સામે દંડાત્મક પગલાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા રૂ.12000ના દંડની વસૂલાત પણ કરવામાં આવી છે. 

નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા

ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને તેમાં થતી શક્ય ભેળસેળની ચકાસણી કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ ફરાળી પેટીસ તેમજ ફરાળી લોટના 11 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે.આ તમામ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.રાજકોટ મનપાના અધિકારીઓએ સ્પષ્ટ ચિમકી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં.આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં આ પ્રકારનું આકસ્મિક ચકાસણી અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ  Banaskantha : મરચા બાદ હવે ઘીમાં ભેળસેળની શંકા, ડીસામાં 434 કિલો શંકાસ્પદ ઘી સીઝ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *