Rajkot News : 15 વાહનો મારફતે નેપાળ પ્રવાસે ગયેલા લોકો સંપર્ક વિહોણા, તંત્રએ શોધવા પ્રયાસો શરૂ કર્યા

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

નેપાળ અને તિબેટ સરહદ પર આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે, જેમાં 175 થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦૦૦થી વધુ લોકો ગુમ છે. આ આફતમાં આધ્યાત્મિક ગુરુ સદગુરુના 80 ભક્તો પણ તિબેટના ગૈરોંગમાં લાપતા થયા છે, જેથી સદગુરુએ ચીન પાસે મદદની પરવાનગી માંગી છે.વડોદરાના ચાર પરિવારો સહિત 300 થી વધુ ભારતીયો પણ ફસાયા હોવાની આશંકા છે. આ ગંભીર સ્થિતિને જોતાં નેપાળ દૂતાવાસે હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે.બીજી તરફ ગુજરાતમાં પણ જિલ્લા લેવલે હેલ્પલાઈન નંબરો શરૂ કરવામાં આવ્યા છે.

15 જેટલા વાહનો સાથે હાલ કોઈ સંપર્ક થઈ શક્યો નથી

રાજકોટથી નેપાળ પ્રવાસે ગયેલા ભારતીય પ્રવાસીઓને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં રાજકોટથી નીકળેલા આશરે 15 જેટલા વાહનો સાથે હાલ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.બસ,કાર અને ટેક્સી જેવા 15 વાહનોમાં રાજકોટથી કેટલા પ્રવાસીઓ નેપાળ ગયા છે તેની ચોક્કસ સંખ્યા હજુ સુધી સ્પષ્ટ થઈ નથી પરંતુ આ તમામ વાહનો રાજકોટ RTOમાંથી જરૂરી મંજૂરી મેળવીને જ રવાના થયા હતા.હાલમાં કેટલાક લોકો નેપાળ પહોંચ્યા હોવાનું તો કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જેને પગલે રાજકોટ કલેક્ટર તંત્ર અને RTO વિભાગ દ્વારા સંબંધિત પ્રવાસીઓનો તાત્કાલિક સંપર્ક સાધવા માટેના ગંભીર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

છેલ્લી ઘડીએ ટૂર રદ થતાં જીવ બચ્યો

ટુર સંચાલક યશવંત ગૌસ્વામીએ કહ્યું હતું કે, રાજકોટમાંથી નેપાળ પ્રવાસે જવા નીકળેલા 120 લોકો માટે સદનસીબનો બનાવ સામે આવ્યો છે. નેપાળમાં સર્જાયેલી ભારે પૂર દુર્ઘટના વચ્ચે રાજકોટથી જનારા 120 પ્રવાસીઓની ટુર છેલ્લી ઘડીએ પરમિશન ન મળવાના કારણે રદ કરવી પડી હતી.જે સમયે આ ટુર કેન્સલ થઈ ત્યારે પ્રવાસીઓમાં ભારે નિરાશા છવાઈ હતી પરંતુ નેપાળમાં પૂરે સર્જેલી તારાજી બાદ તમામ 120 લોકોનો આબાદ બચાવ થતાં તેમણે રાહતનો શ્વાસ લીધો છે.લોકોનું કહેવું છે કે મહાદેવની અપાર કૃપાને કારણે જ છેલ્લી ઘડીએ આ ટુર રદ થઈ અને તેઓ એક મોટી હોનારતમાંથી બચી ગયા.

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીનું નિવેદન

વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીએ નેપાળમાં ફસાયેલા ભારતીયો અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 5 જેટલા લોકોએ મદદ માંગી છે,જેમાંથી 4 લોકો વડોદરાના છે અને તેમના પરિવારે મદદ માટે સંપર્ક કર્યો છે, જ્યારે 3 નાગરિકો મૂળ ન્યૂઝીલેન્ડના હોવાથી ન્યૂઝીલેન્ડ સરકારને પણ તેમની માહિતી આપી દેવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સાંજ સુધીમાં ફસાયેલા તમામ લોકોનું આખરી લિસ્ટ તૈયાર કરી લેવામાં આવશે અને ત્યારબાદ સ્થિતિ સમીક્ષા કરી ત્યાંની સરકાર સાથે સીધી વાતચીત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *