Rajkot News: ATMમાં એલ્યુમિનિયમ પ્લેટ ફિટ કરી અનોખી રીતે ચોરી કરતી UPની ગેંગ ઝડપાઈ

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ATMમાંથી અત્યંત અનોખી અને શાતિર મોડસ ઓપરેન્ડી દ્વારા પૈસાની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સાગરીતો ખાસ કરીને રજાના દિવસોમાં અને રવિવારે એટીએમ સેન્ટરને નિશાન બનાવતા હતા. તેઓ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર બોક્સમાં (જ્યાંથી રોકડ બહાર આવે છે) ચોક્કસ માપની એલ્યુમિનિયમ પ્લેટ ફિટ કરી દેતા હતા. ગ્રાહક જ્યારે પૈસા ઉપાડવા પ્રોસેસ કરે ત્યારે રોકડ રકમ પ્લેટ પાછળ અટકાઈ જતી હતી અને ગ્રાહક મશીનમાં ટેકનિકલ ખામી સમજીને જતો રહેતાં જ આરોપીઓ મશીનમાંથી પ્લેટ કાઢીને નાણાં ચોરી લેતા હતા.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના 3 શખ્સોને ઝડપ્યા

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરીને ઉત્તર પ્રદેશના વતની એવા સાળા-બનેવી સહિત ૩ સાગરીતો – અફસાર અહમદ, અરબાઝ અને સાહિદખાનને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાતી એલ્યુમિનિયમ પ્લેટો, સાધનો અને રોકડ રકમ સહિત કુલ રૂ.4.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ રાજકોટ ઉપરાંત મુંબઈ, અમદાવાદ અને સુરત સહિતના વિવિધ શહેરોમાં આવેલી SBI અને બેંક ઓફ બરોડાના 17થી વધુ એટીએમમાં આ પ્રકારે ચોરી આચરી હોવાની કબૂલાત કરી છે.

Rajkot Crime Branch raid

તાત્કાલિક બેંક કે પોલીસનો સંપર્ક કરવા અપીલ

આ ઘટના સામે આવ્યા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ અને જાગૃતિ અપીલ જારી કરી છે. પોલીસે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ એટીએમમાંથી નાણાં ઉપાડવા જાય અને ખાતામાંથી રકમ કપાઈ ગયાનો મેસેજ આવે પરંતુ મશીનમાંથી રોકડ બહાર ન નીકળે, તો મશીન છોડીને તરત જતાં રહેવાના બદલે તાત્કાલિક ધોરણે સંબંધિત બેંકના હેલ્પલાઈન નંબર અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *