RBI: EMI ચૂકવનારા માટે મહત્વના સમાચાર, ડિસેમ્બરમાં RBI કરી શકે છે વધારો?

📅 Published: November 11, 2026 | 📂 Category: Business

દેશમાં મોંઘવારી ફરી એકવાર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભારે પડવાની તૈયારીમાં છે. ડુંગળીના ભાવમાં બમણો (લગભગ 99.6%) વધારો થયો છે, જ્યારે કઠોળ, ચોખા, દૂધ અને ખાદ્ય તેલ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે. બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ, ઓક્ટોબરમાં ૨૦ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વાર્ષિક ધોરણે 11.1% નો વધારો નોંધાયો છે. આ વધતા ફુગાવાના કારણે આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

છૂટક ફુગાવાના આંકડા થશે જાહેર

ઓક્ટોબર મહિનાના છૂટક ફુગાવાના આંકડા ટૂંક સમયમાં જાહેર થવાના છે. સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો 5.54% હતો, જે ઓક્ટોબરમાં વધીને ૬% સુધી પહોંચી શકે છે. જો ફુગાવો આ સ્તરે રહે કે વધે, તો 2 થી 4 ડિસેમ્બર દરમિયાન મળનારી RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં વ્યાજ દર અંગે કડક નિર્ણય લેવાઈ શકે છે. અગાઉ કેન્દ્રીય બેંકે રેપો રેટ વધારીને5.50% કર્યો હતો. જો ફુગાવા પર અંકુશ મેળવવા માટે RBI ફરીથી રેપો રેટમાં 0.25% નો વધારો કરે છે, તો તેની સીધી અસર બેંક લોન પર પડશે, જેનાથી હોમ લોન અને અન્ય લોન લેનારાઓનો માસિક EMI વધી જશે.

અલ નીનોનું પરિબળ મોટું કારણ

આ મોંઘવારી પાછળ હવામાન અને અલ નીનો (El Nino) નું પરિબળ પણ મોટું કારણ બની રહ્યું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન જેવા મુખ્ય કૃષિ ઉત્પાદક રાજ્યોમાં ઓછા વરસાદ અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટવાને કારણે રવિ પાકની વાવણી અને ઉત્પાદન પર ખરાબ અસર પડી શકે છે. વિશ્વ હવામાન સંગઠન દ્વારા આગામી સમયમાં મજબૂત અલ નીનોની આગાહી કરવામાં આવી છે, જે તાપમાન વધારીને કૃષિ ક્ષેત્રને વધુ પ્રભાવિત કરી શકે છે. ખાદ્ય પદાર્થોના વધતા ભાવ અને ફુગાવાના આ પડકારો વચ્ચે આગામી દિવસોમાં સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી શકે છે, અને સૌની નજર હવે ડિસેમ્બરમાં યોજાનારી RBI ની બેઠક પર છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઘટ્યા, પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઇ જ ફેરફાર નહીં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *