Rinku singhના લગ્નની તારીખ આવી સામે, સાંસદ Priya Saroj પ્રિયા સરોજ સાથે આ દિવસે થશે લગ્ન

📅 Published: September 15, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમનો સિક્સર કિંગ અને સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. રિંકુ આગામી 4 ડિસેમ્બરે લખનઉની જાણીતી રમાડા હોટેલમાં મછલીશહર બેઠકના સપા સાંસદ પ્રિયા સરોજ સાથે પ્રભુતામાં પગલાં પાડશે. આ પહેલાં જૂન મહિનામાં બંનેની સગાઈ યોજાઈ હતી, જેમાં રમતગમત અને રાજકારણ ક્ષેત્રની અનેક અગ્રણી હસ્તીઓએ હાજરી આપી હતી.

રમત અને રાજકારણના અગ્રણીઓનો જમાવડો

ઉત્તર પ્રદેશના અલીગઢના વતની રિંકુ સિંહે પોતાની સગાઈ પણ લખનઉમાં જ કરી હતી, અને હવે લગ્ન માટે પણ તેમણે રાજ્યના પાટનગર પર જ પસંદગી ઉતારી છે. આ લગ્ન સમારંભમાં દેશ-વિદેશના અનેક ખાસ મહેમાનો ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતા છે. ક્રિકેટ જગતમાં રિંકુનું મોટું નામ છે, તો બીજી તરફ પ્રિયા સરોજ રાજકારણનો જાણીતો ચહેરો છે. તેથી જ આ શુભ પ્રસંગે બંને ક્ષેત્રોના દિગ્ગજોનો જમાવડો જોવા મળશે.

પિતાના દુઃખદ અવસાનને કારણે મોકૂફ રખાયો હતો પ્રસંગ

અગાઉ રિંકુ અને પ્રિયાના લગ્ન વારાણસીની તાજ હોટેલમાં યોજાવાના હતા. જો કે, ક્રિકેટરના પિતા ખાનચંદ સિંહનું 27 ફેબ્રુઆરી 2026ના રોજ અવસાન થતાં લગ્નનો કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.

તાજેતરનું મેદાન પર ઘમાકેદાર બેટિંગ 

તાજેતરના પ્રદર્શનની વાત કરીએ તો, રિંકુ સિંહ છેલ્લે દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો, જ્યાં તેણે મેચની બંને ઇનિંગ્સમાં અનુક્રમે 60 અને 20 રનનું યોગદાન આપ્યું હતું. તે જુલાઈમાં ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં પણ ભારતીય ટીમનો હિસ્સો હતા. જોકે, હાલમાં દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી T20 શ્રેણીમાં તેમને સ્થાન મળ્યું નથી.

શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી 

ટીમ ઇન્ડિયા માટે વ્હાઇટ બોલ ક્રિકેટ રમતા રિંકુ સિંહે અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 2 વન-ડે અને 48 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. હાલમાં તેઓ મુખ્યત્વે T20 ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે 2 વન-ડે ઇનિંગ્સમાં 55 રન બનાવ્યા છે, જ્યારે T20 ઇન્ટરનેશનલની 35 ઇનિંગ્સમાં તેના બેટમાંથી 702 રન નીકળ્યા છે. આ દરમિયાન તેમની એવરેજ 36.94 અને સ્ટ્રાઇક રેટ 156.34 નો રહ્યો છે. આ ફોર્મેટમાં તેમણે 3 અડધીસદી ફટકારી છે, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 69 રન છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *