રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં સામેલ ભારતીય નાગરિકોને લઈને ભારત સરકારે મોટું અપડેટ આપ્યું છે. ભારતે જણાવ્યું છે કે ઉપલબ્ધ માહિતી પ્રમાણે 259 ભારતીય નાગરિકોની રશિયન સશસ્ત્ર દળોમાં ભરતી થઈ હોવાની આશંકા છે. તેમાંથી ભારતના પ્રયાસોના પરિણામે 139 ભારતીયોને વહેલી તકે ડિસ્ચાર્જ કરાવવામાં આવ્યા છે. જ્યારે હજુ 69 ભારતીયો રશિયન સેનામાં હોવાની માહિતી છે, તેમના ઠેકાણા અને સ્થિતિ અંગે ભારત રશિયન સત્તાવાળાઓ પાસેથી સતત માહિતી મેળવી રહ્યું છે.
ભારત રશિયા સાથે સતત સંપર્કમાં
ભારત સરકારનું કહેવું છે કે રશિયન સેનામાં રહેલા બાકીના ભારતીય નાગરિકોને વહેલી તકે મુક્ત કરાવવા માટે રશિયન પક્ષ સાથે સતત વાતચીત ચાલી રહી છે. ભારત તેમના ડિસ્ચાર્જ અને સુરક્ષિત પરત ફરવા માટે જરૂરી પગલાં લેવા માટે રશિયન સત્તાવાળાઓ સાથે ફોલોઅપ કરી રહ્યું છે. આ મુદ્દે ભારત અગાઉ પણ રશિયા સમક્ષ અનેક વખત વાત કરી ચૂક્યું છે. ભારતીય દૂતાવાસ પણ રશિયામાં રહેલા ભારતીય નાગરિકોની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
259માંથી 139 ભારતીયો ડિસ્ચાર્જ
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રશિયન સશસ્ત્ર દળોમાં 259 ભારતીયોની ભરતી થઈ હોવાનું માનવામાં આવે છે. ભારતના પ્રયાસોથી અત્યાર સુધીમાં 139 ભારતીયોને વહેલી તકે ડિસ્ચાર્જ કરવામાં સફળતા મળી છે. હવે સરકારનું મુખ્ય ધ્યાન એવા 69 ભારતીયો પર છે, જેઓ હજુ રશિયન સેનામાં હોવાનું માનવામાં આવે છે. ભારત તેમના વર્તમાન ઠેકાણા અને સ્થિતિ અંગે રશિયન અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યું છે.
ભારતે ફરી ભારતીયોને આપી ચેતવણી
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ફરી એકવાર રશિયન સેનામાં જોડાવાની ઓફરથી દૂર રહેવા અપીલ કરી છે. સરકારનું કહેવું છે કે રશિયન સેનામાં જોડાવાનો રસ્તો જીવન માટે ગંભીર જોખમોથી ભરેલો છે. 30 સપ્ટેમ્બરે પણ MEAએ ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં રશિયામાં નોકરીની ઓફર સ્વીકારતી વખતે ખાસ સાવચેતી રાખવા અને રશિયન સશસ્ત્ર દળોમાં ભરતીની ઓફરથી દૂર રહેવા કહેવામાં આવ્યું હતું.
પૈસાની લાલચમાં ન આવવા અપીલ
MEAએ કહ્યું છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન વારંવાર એડવાઈઝરી જાહેર કરવામાં આવી હોવા છતાં ભારતીય નાગરિકો રશિયન સેનામાં જોડાતા હોવાના અહેવાલો હજુ મળી રહ્યા છે. કેટલાક લોકો પૈસાના લાભની આશામાં આવી ઓફરો સ્વીકારી રહ્યા હોવાની વાત પણ સરકારના ધ્યાનમાં આવી છે. સરકારે ભારતીયોને અજાણ્યા અથવા ચકાસણી વગરના લોકો અને એજન્ટો દ્વારા આપવામાં આવતી નોકરીની ઓફરથી સાવચેત રહેવા કહ્યું છે. MEAએ ખાસ કરીને એવી ઓફરોથી દૂર રહેવાની સલાહ આપી છે જેમાં રશિયામાં નોકરીના નામે સેનામાં જોડાવાની વાત હોય.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે વારંવારની ચેતવણીઓ છતાં ભારતીયોના રશિયન સશસ્ત્ર દળોમાં જોડાવાના અહેવાલો સામે આવી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. ભારતનું કહેવું છે કે આ મામલે રશિયા સાથે ફોલોઅપ ચાલુ રહેશે અને બાકીના ભારતીય નાગરિકોને પણ વહેલી તકે ડિસ્ચાર્જ કરાવવા પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: Indus Water Treaty: UNHRCમાં ઉઠાવ્યો મુદ્દો, તો શું ભારત પર આવશે પાણી છોડવાનું દબાણ?
