Sabarkanthaમાં વિકાસના નામે ગૌચરનો વિનાશ, ઈડરના નેશનલ હાઈવે રોડના નિર્માણમાં લાખો ટન માટી ચોરીનું મોટું કૌભાંડ!

📅 Published: September 9, 2026 | 📂 Category: Crime

સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાંથી પસાર થતાં નેશનલ હાઇવે 168-G ના નિર્માણ કાર્ય દરમિયાન વિકાસના નામે ગૌચર અને સરકારી પડતર જમીનનો વિનાશ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શામળાજીથી ભિલોડા, ઈડર અને ખેરાલુ સુધી બની રહેલા આ નેશનલ હાઇવે અંતર્ગત બડોલીથી મણિયોર સુધી બાયપાસ રોડનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં અનેક ખેડૂતોની જમીનો પણ સંપાદિત કરાઈ છે. જોકે આ કામગીરી દરમિયાન ઈડરના મણિયોર ગ્રામ પંચાયત વિસ્તારની કિંમતી ગૌચર જમીનમાંથી કોન્ટ્રાક્ટરો દ્વારા લાખો ટન માટીની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

રોયલ્ટી ભર્યા વિના ખોદકામ

આ સમગ્ર મામલે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ગૌચર અને સરકારી જમીનોમાંથી લાખો ટન માટી ઉઠાવી લેવાઈ હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સમગ્ર ઘટનાથી તદ્દન અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી તિજોરીમાં એક પણ રૂપિયાની રોયલ્ટી ભર્યા વિના બેફામ રીતે માટી અને રેતીની ચોરી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ખાન-ખનીજ વિભાગ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને પ્રાંત અધિકારી સહિતના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આ ચોરી રોકવામાં અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયા છે.

સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે રોષ 

ગૌચર જમીનનો મોટાપાયે વિનાશ થતાં અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતાં ઈડર પંથકના ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ આળસુ અને નિષ્ક્રિય રહેનારા સરકારી અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક કદમ ઉઠાવવાની માગણી કરી છે. સ્થાનિક લોકો હવે આ સમગ્ર માટી ચોરી કૌભાંડની ગાંધીનગર ખાતેથી ઉચ્ચ સ્તરીય અને તટસ્થ ટીમ દ્વારા તપાસ કરાવવાની કડક માગ કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે જો ગાંધીનગરથી નિષ્પક્ષ તપાસ હાથ ધરાય તો સ્થાનિક વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મોટી મિલીભગતની પોલ ખુલ્લી પડી શકે તેમ છે.

આ પણ વાંચો : Suratમાં ‘શેરબજાર ફ્રોડ’નો મોટો શિકાર! 200 ટકા રિટર્નની લાલચમાં એન્જિનિયરે રૂ.37.15 લાખ ગુમાવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *