Sabarkantha : 1.50 લાખમાં માસૂમનો સોદો, કોલ્હાપુર સુધી પહોંચતી કડી, બાળ તસ્કરીનો કાળો ખેલ

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠામાં બાળ તસ્કરી ગેંગ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં ટ્રાફિકિંગ એજન્ટ તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર કવિતા પ્રતાપ જાદવ અને સીતારામ પરમાર પોલીસના સકંજામાં આવ્યા છે. બંને આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું સામે આવ્યું છે અને આગામી દિવસોમાં આ સમગ્ર નેટવર્કને લઈને વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોની ખરીદી 

તપાસમાં સામે આવ્યું છે કે કવિતા જાદવ એજન્ટોના માધ્યમથી અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોની ખરીદી કરતી હતી. આ માટે સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં એજન્ટોનું નેટવર્ક કાર્યરત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

બાળકોને 1.50 લાખ સુધીની રકમમાં ખરીદવામાં આવતા 

આ ગેંગમાં સીતારામ પરમારની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું સામે આવ્યું છે. તે વિવિધ વિસ્તારોમાં કાર્યરત એજન્ટો પાસેથી બાળકોને ખરીદીને મુખ્ય એજન્ટ સુધી પહોંચાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. માસૂમ બાળકોને અંદાજે 1.25 લાખથી 1.50 લાખ સુધીની રકમમાં ખરીદવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

મહારાષ્ટ્રના નૂરી હારુન શેખનું નામ ખુલ્યું 

તપાસ દરમિયાન મહારાષ્ટ્રના નૂરી હારુન શેખ મારફતે મેરઠ તેમજ કોલ્હાપુર સુધી બાળકોના સોદાની કડીઓ જોડાતી હોવાનું બહાર આવ્યું છે. કોલ્હાપુરના મુન્નો સહિત અન્ય શખ્સો સાથે પણ આ નેટવર્કના સંપર્કોની તપાસ ચાલી રહી છે.

બાળ તસ્કરી નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો 

પોલીસ રિમાન્ડ દરમિયાન કવિતા જાદવ અને સીતારામ પરમાર પાસેથી આ બાળ તસ્કરી નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બાળકો ક્યાંથી લાવવામાં આવતા હતા, કોને સોંપવામાં આવતા હતા અને આ સમગ્ર ગેરકાયદે કારોબારમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. 

આ પણ વાંચો   :   Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ…..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *