Sabarkantha News: સાબરડેરીમાં પશુદાણ ખરીદી અને દૂધની ગુણવત્તા મુદ્દે તપાસની માંગ, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકો સાથે સંકળાયેલી બે સહકારી સંસ્થાઓની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. સાબરડેરી અને સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ રખાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. દિવાળીનો સમય પણ પૂર્ણ થયો છે. તે છતાંય હજી ચૂંટણી જાહેર થઈ શકી નથી. આ દરમિયાન સાબરડેરીના વહીવટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. કલેક્ટરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માગ કરાઈ છે. 

ટેન્ડર પ્રક્રિયામાં ખુલ્લેઆમ સગાવાદનો આક્ષેપ

કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ડેરી સંચાલન પર સીધા પ્રહારો કરતાં જણાવવામાં આવ્યું છે કે ભરતી,પ્રમોશન અને વિવિધ ટેન્ડર પ્રક્રિયામાં ખુલ્લેઆમ સગાવાદ ચલાવવામાં આવી રહ્યો છે.લાયકાતના બદલે વ્યક્તિગત ઓળખાણને પ્રાથમિકતા આપીને નિર્ણયો લેવાતા હોવાના આક્ષેપ થયા છે.સાથોસાથ કોન્ટ્રાક્ટ ફાળવણીમાં પણ ચોક્કસ કંપનીઓને જ અયોગ્ય રીતે આર્થિક લાભ પહોંચાડવામાં આવતો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.આ સમગ્ર વહીવટી પ્રક્રિયાની સ્વતંત્ર રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. પશુદાણની ખરીદી, દૂધની ગુણવત્તા અને નકલી દૂધના શંકાસ્પદ કારોબાર અંગે પણ સઘન તપાસની માંગણી મુકાઈ છે. 

દૂધની ખરીદીના ભાવમાં માત્ર 15% જેટલો જ નજીવો વધારો

કેટલફીડના કાચા માલની કરવામાં આવતી ખરીદી અને તૈયાર પશુદાણના કુલ વજનમાં મોટો તફાવત હોવાની આશંકા વ્યક્ત કરીને છેલ્લા 5 વર્ષના હિસાબી રેકોર્ડની ફોરેન્સિક સ્તરે તપાસ કરવાની માંગણી કરાઈ છે.ડેરીના અર્થતંત્રમાં રહેલી આ ગંભીર ત્રુટિઓથી પશુપાલકોના આર્થિક હિતને સીધું નુકસાન પહોંચતું હોવાનો પશુપાલક સમાજ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.આવેદનમાં સૌથી ચિંતાજનક બાબત રજૂ કરતાં દર્શાવાયું છે કે દૂધ ઉત્પાદકો પાસેથી થતી દૂધની ખરીદીના ભાવમાં માત્ર 15% જેટલો જ નજીવો વધારો કરવામાં આવ્યો છે.તેની સામે ગ્રાહકો માટે દૂધની વિવિધ બનાવટોના વેચાણ ભાવમાં સીધો 40%થી 50% સુધીનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.પશુપાલકોને તેમના દૂધના વાજબી ભાવ અને વધતા ઉત્પાદન ખર્ચ સામે પૂરતું વળતર મળતું નથી.સાડા 3 લાખ પશુપાલકોના શોષણને અટકાવવા ડેરીમાં તાત્કાલિક વહીવટદાર મૂકવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ Dwarka News: ધારાસભ્ય પબુભા માણેકે જાહેરમાં કહ્યું, મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *