ગુજરાતમાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. હાઈવે હોય કે પછી શહેર હોય નગર હોય કે ગામ હોય બેફામ બનેલા ડમ્પર ચાલકો દ્વારા વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યાં છે. ઘણા ડમ્પર ચાલકો એવા હોય છે કે જેમની પાસે વાહન ચલવવા માટેનું લાઈસન્સ પણ હોતું નથી. ભારે વાહનો દ્વારા થતાં અકસ્માતોમાં ગંભીર ઈજાઓ અને મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી
અમદાવાદના થલતેજ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં 11 વર્ષીય બાળકીના મૃત્યુ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપી ડમ્પર ચાલક વિમલ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ જ ન હોવાનું સામે આવ્યું છે. આ જ ડમ્પરે અગાઉ એપ્રિલ મહિનામાં પણ ગોતા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમાં નરપતભાઈ અને સુશીલકુમાર નામના બે વ્યક્તિઓના મોત થયા હતા અને તે વખતે પણ આ જ ડમ્પર ચાલક વિમલ ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસે આ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. પરંતુ બેફામ બનેલા આવા ડમ્પર ચાલકો સામે પોલીસની નિષ્ક્રિયતા પણ સામે આવી છે.

અકસ્માતના આરોપી ડ્રાઈવર પાસે લાઈસન્સ નહોતુ
અમદાવાદમાં થયેલા આ અકસ્માતના આરોપી ડ્રાઈવર પાસે લાઈસન્સ નહોતુ. પરંતુ ખરેખર એ એકલો નથી કે જેની પાસે લાઈસન્સ નહોતુ. રાજ્યમાં દોડી રહેલા મોટા ભાગના ડમ્પર ચાલકો પાસે લાઈસન્સ નહીં હોવાની પણ લોકચર્ચાઓ સામે આવતી રહે છે. લોકો ડમ્પર ચાલકો સામે ફરિયાદ કરે ત્યારે પોલીસ જ આંખ આડા કાન કરતી હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી રહે છે. જ્યારે કેટલાક કિસ્સાઓ એવા હોય છે જેમાં માત્ર કહેવા પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માની લેવાતો હોય છે. આ પ્રકારની સ્થિતિને કારણે નિર્દોષ લોકો ગંભીર ઈજા સહન કરે છે અથવા તો જીવ ખોઈ રહ્યાં છે. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં એક માતાની સામે જ તેના 11 વર્ષના બાળકનું મોત થયું છે. માતાએ તેના વ્હાલસોયાને ખોયો છે. તેનું દર્દ માતા જ જાણે છે પણ જે લોકો ટ્રાફિક નિયંત્રણ કરે છે તેમને સહેજ પણ આ દર્દની અસર નથી હોતી.
અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ વર્ષના આઠ મહિના દરમિયાન રાજ્યભરમાં રોડ અકસ્માતોને કારણે 1.45 લાખથી વધુ નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો ગત વર્ષની સરખામણીએ અકસ્માતમાં ઈજા થવાના પ્રમાણમાં 27 ટકાનો મોટો વધારો થયો છે. રાજ્યમાં અકસ્માતો અને ઈજાના કેસોની બાબતમાં અમદાવાદ જિલ્લો મોખરાના સ્થાને છે.અમદાવાદમાં ગત વર્ષના પ્રથમ આઠ મહિનામાં 18541 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે વધીને 21995 થયા છે. આ રીતે વડોદરા 8883 કેસ સાથે ત્રીજા, રાજકોટ 7145 કેસ સાથે ચોથા અને વલસાડ 5113 કેસ સાથે પાંચમા ક્રમે છે.

રેતી ચોરી અને ખનીજ ચોરી કરતાં ડમ્પરો બેફામ
ગુજરાતમાં રેતી ચોરી અને ખનીજ ચોરી કરતાં ડમ્પરો બેફામ બની રહ્યાં છે. ખાણ અને ખનીજ વિભાગની સતત કાર્યવાહીની વચ્ચે પણ આ ડમ્પર ચાલકો દોડી રહ્યાં છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં બાંધકામ ઉદ્યોગનો વિકાસ થયો છે. અહીં રોજે રોજ રેતી લઈને આવતા ડમ્પરોની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં ભારે વાહનો માટેના નિયમો હોવા છતાં આ ડમ્પરો બેફામ પણે ફરી રહ્યાં છે.
