Sandesh Digital Explainer: તહેવારો ટાણે ગુજરાતમાં અસલી સાથે નકલી માવાનો કરોડોનો વેપલો, સરકાર ક્યારે એક્શનમાં આવશે?

📅 Published: August 25, 2026 | 📂 Category: Ahmedabad

મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાના મોટા શહેરોમાં વેચાઈ રહેલા નકલી, પનીર, ઘી, ચીઝ અને તેલ જેવા ખાદ્ય પદાર્થો સામે ફૂડ વિભાગની કાર્યવાહી યથાવત છે. તેવામાં આગામી સમયમાં આવી રહેલા તહેવારો પહેલા જ તંત્ર દ્વારા માવાના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં છેલ્લાં કેટલાક વર્ષમાં પકડાયેલા માવામાંથી મિલ્ક પાવડરની સાથે પામ ઓઈલ, વેજિટેબલ ઓઈલ અને કલરની પણ હાજરી મળી છે તેમ છતાં રાજ્યમાં આજે પણ ભેળસેળયુક્ત માવાની મીઠાઈનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. 

ભેળસેળયુક્ત માવાનો ઉપયોગ ગ્રાહકો માટે ચિંતાનો વિષય

ગુજરાતમાં માવાનો મહિને લગભગ રૂ.290થી 375 કરોડનો વેપારનો અંદાજ છે. જ્યારે માવા અને માવા આધારિત મીઠાઈઓનું બજાર અંદાજે રૂ.375 કરોડથી 500 કરોડ છે.તહેવારોની સિઝનમાં મીઠાઈ અને માવાના વેચાણમાં બજારમાં ઉછાળો આવે છે તે સમયગાળામાં આંકડો ઘણો વધી જાય છે.ગુજરાતમાં તહેવારો અને પ્રસંગો દરમિયાન માવા,પેંડા,બરફી,કલાકંદ,સહિતની દૂધ આધારિત મીઠાઈઓની માગમાં નોંધપાત્ર વધારો થાય છે.પરંતુ આ વધતી માગ વચ્ચે સસ્તા ભેળસેળયુક્ત માવાનો ઉપયોગ ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે તહેવારો આવી રહ્યા છે ત્યારે સરકાર નકલી માવો વેચનારાઓ સામે સખત કાર્યવાહી કરે તે જરૂરી છે.

માવાની મીઠાઈ

ભેળસેળયુક્ત મીઠાઈ વેચનારા મુખ્ય માથાઓ સુધી હાથ પહોંચતા નથી

રાજ્યના મહાનગર પાલિકાઓ હસ્તકની ખોરાક શાખા દ્વારા ભેળસેળયુક્ત મીઠાઈનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી થાય છે, પરંતુ માવો ક્યાં તૈયાર થાય છે, કયા મોટા વેપારીને સપ્લાય થાય છે અને તેમાંથી કઈ મીઠાઈ ક્યાં તૈયાર થાય છે? તેની સપ્લાય ચેઈન સુધી તપાસ થતી નથી. એવી પણ ચર્ચા છે, ગુજરાતમાં ભેળસેળયુક્ત માવાનું ઉત્પાદન કરનારાઓ પર ક્યાંકને ક્યાંક રાજકીય આશીર્વાદ પણ છે. જેથી તંત્રના હાથ તેમના સુધી પહોંચતા ન હોઈ આજે કોઈપણ પ્રકારની રોકટોક વગર રાજ્યમાં મોટાપાયે તેનો વેપલો થાય છે. માવાની ભેળસેળના કેસમાં માત્ર તૈયાર મીઠાઈ જપ્ત કરવાથી સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાતી નથી.આ અંગે શું કાર્યવાહી કરવામાં આવી તે માટે FDCAના કમિશનર ટેલિફોનિક અથવા તો રૂબરૂમાં પણ માહિતી આપવામાં આનાકાની કરે છે.

નકલી માવામાંથી બનેલી મીઠાઈનું ધૂમ વેચાણ

રાજ્યમાં ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની કાર્યવાહીથી નકલી ખાદ્યપદાર્થોના થતાં બેફામ વેપલાની ગંભીરતાનો અંદાજ મળે છે.વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં FDCAએ કુલ 351 ટન શંકાસ્પદ ખાદ્ય સામગ્રી જપ્ત કરી હતી જેની કિંમત આશરે રૂ.10.5 કરોડ હતી.આ કાર્યવાહીમાં માવો અને માવામાંથી બનેલી મીઠાઈઓ પણ સામેલ હતી. વર્ષ 2023-24માં બનાસકાંઠાના પાલનપુર ખાતે FDCAએ બે મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડ્યાં હતા.જ્યાંથી રૂ. 6.80 લાખની 3849 કિલો મીઠાઈ જપ્ત કરી હતી. માત્ર માવો જ નહીં તેમાંથી બનેલી તૈયાર મીઠાઈ પણ બજારમાં પહોંચાડાય છે. અધિકારીના કહેવા મુજબ,સિન્થેટિક માવો બનાવવાનો મુખ્ય હેતુ તેની ઓછી કિંમત અને વધુ કમાણી છે.શુદ્ધ દૂધમાંથી બનેલા માવાની સામે મિલ્ક પાવડર, વનસ્પતિ અને અન્ય સસ્તા ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર થતો માવો સસ્તો પડે છે.ત્યારબાદ તેનો ઉપયોગ પેંડા,બરફી,કલાકંદ,મિલ્ક કેક અને અન્ય મીઠાઈઓમાં થવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.

નકલી માવો

રાજ્યમાં 2023થી 2025 સુધીની FDCAની કાર્યવાહી

વર્ષ 2023-24 દરમિયાન રાજ્યવ્યાપી કાર્યવાહીમાં FDCAએ 2026 લાખ કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળી ખાદ્ય સામગ્રી જપ્ત કરી હતી. જેની કિંમત આશરે રૂ. 6.32 કરોડ થવા પામી હતી. જેમાં રૂ. 80 લાખની કિંમતની 36044 કિલો મીઠાઈનો પણ સમાવેશ થતો હતો. આ તમામ મીઠાઈ માવામાંથી જ બની ન હતી, પરંતુ મુખ્યત્વે માવામાંથી ભેળસેળ વધુ મળી હતી. જ્યારે 2024-25માં ગુજરાત FDCAએ 190થી વધુ દરોડામાં રૂ. 10.5 કરોડની કુલ 351 ટન શંકાસ્પદ ખાદ્ય સામગ્રી જપ્ત કરી હતી. તેમાં માવો, મીઠાઈ, ઘી અને અન્ય ખાદ્ય પદાર્થો સામેલ હતા.આ સમયગાળામાં 60448 ખાદ્ય પદાર્થોના સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાંથી 1.45 ટકા સેમ્પલ ફેલ થયા અને 0.17 ટકા અન્સફે જાહેર થયા હતા.

તહેવારો પહેલા ફૂડ વિભાગ કાર્યવાહી કરે છે 

તહેવારો પહેલા ફૂડ વિભાગ ફરાળી વાનગીઓ કે માવાની મીઠાઈ વેચનારા વેપારીઓ સામે દરોડા પાડીને ચેકિંગ કરે છે. મીઠાઈના માવાના સેમ્પલ લઈને લેને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. આ ટેસ્ટિંગનો રિપોર્ટ તહેવારોની સિઝન પૂર્ણ થયા બાદ સામે આવે છે. જ્યારે લોકો નકલી માવાની મીઠાઈ ભરપૂર પ્રમાણમાં આરોગી જાય છે. આ રિપોર્ટ આવ્યા બાદ પણ કોઈ સજા થઈ કે નહીં તેની સામે પણ અનેક સવાલો છે. તંત્ર માત્ર દંડનીય કાર્યવાહી કરીને સંતોષ માની છે. બીજી તરફ નકલી માવાની મીઠાઈ આરોગી જનારા લોકોના આરોગ્ય સાથે થયેલા ચેડાંને લઈને કોઈ કાર્યવાહી થતી નથી. હવે લોકો એવું કહે છે મીઠાઈ અસલી માવાની છે કે, પનીર પણ અસલી દૂધમાંથી બનાવેલું છે તે કેવી રીતે ખબર પડશે?

એનાલોગ પનીર કે ચીઝ વેચનારાને સજા તો નકલી માવા અંગે શું જોગવાઈ?

સરકારે તમામ હોટેલ-રેસ્ટોરન્ટ, કેટરર્સ, સુપરમાર્કેટ, ડેરી પાર્લર અને વેપારીઓને માત્ર શુદ્ધ અને અસલી ડેરી પ્રોડક્ટ્સ વાપરવાની કડક સૂચના આપી છે. નિયમભંગ કરનાર સામે ‘ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006’ (FSS Act, 2006) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. કલમ-50 મુજબ, ગ્રાહકે માગેલી ગુણવત્તા વગરની કે નિયમોનો ભંગ કરતી ખાદ્ય સામગ્રી વેચવા બદલ રૂપિયા 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. ગ્રાહકના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવાના કિસ્સામાં કાયદા હેઠળ જેલની સજા અને લાયસન્સ રદ કરવા સુધીની આકરી જોગવાઈઓ છે. બીજી તરફ નકલી માવો વેચનારા સામે શું સજા થશે એની પણ અનેક ચર્ચાઓ સામે આવી રહી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યૂના 147 અને ટાઈફોઈડ 153 કેસ નોંધાયા, સાદા મેલેરિયાના કેસોમાં પણ ઉછાળો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *