Sandesh Digital Explainer: શું ગુજરાતના 206 ડેમનું 65 ટકા પાણી એક વર્ષ સુધી ચાલશે? જાણો ક્યાં સર્જાઈ શકે છે જળસંકટ

📅 Published: October 28, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં અલનીનોની અસરને કારણે વરસાદ ઓછો પડ્યો છે. ઓછા વરસાદને કારણે ખેતી પર સૌથી મોટી અસર ઉભી થઈ છે. આ ઉપરાંત ઘાસચારાને લઈને પણ પશુપાલકો પરેશાન થઈ રહ્યાં છે. જેને લઈને ઘણા સમયથી ખેડૂતો અને પશુપાલકો દ્વારા રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માગ કરવામાં આવતી હતી. રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ રાજ્યના ચાર જિલ્લામાં અછત જાહેર કરી છે.હવે વરસાદની વિદાય થઈ છે. રાજ્યમાં ગરમીનો પારો તપી રહ્યો છે. ત્યારે જળાશયોમાં પણ પાણી સુકાઈ રહ્યું છે. રાજ્યના 206 જળાશયોમાં હાલમાં માત્ર 65 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો શું આ જથ્થો પીવાના અને સિંચાઈના પાણી માટે એક વર્ષ સુધી ચાલી શકશે કે ગુજરાતે નર્મદાના નીર પર નિર્ભર રહેવું પડશે. આવો જાણીએ આ રીપોર્ટમાં. 

રાજ્યના ચાર જિલ્લામાં અછત જાહેર કરાઈ

ગુજરાતમાં હાલમાં ચાર જિલ્લા પોરબંદર, કચ્છ, જામનગર અને દ્વારકામાં રાજ્ય સરકારે દુષ્કાળની જાહેરાત કરી છે. આ ચાર જિલ્લાઓમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પાણીની અછત અને વરસાદની ખેંચ હોવાથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સિંચાઈના પાણીની અછતને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકાર અન્ય જિલ્લામાં પણ સહાય જાહેર કરે તેવી માગ કરવામાં આવી છે.  

ડેમમાં પાણીની સ્થિતિ

આ વર્ષે અલીનોને કારણે ઓછો વરસાદ ખાબક્યો

રાજ્યમાં આ વર્ષે અલીનોને કારણે ઓછો વરસાદ ખાબક્યો છે.ચાલુ સિઝનનો કુલ 89.19 ટકા વરસાદ નોંધાયો છે.વર્ષ 2025માં 26ઓક્ટોબર આસપાસ સરેરાશ 118.12 ટકા સારો વરસાદ થયો હતો.ગત વર્ષે સારો વરસાદ થવાને કારણે રાજ્યમાં વ્યાપક દુકાળજનક સ્થિતિ નહોતી.આ વર્ષે વરસાદની અસમાન સ્થિતિને કારણે કેટલાક વિસ્તારોમાં અછત જેવી ચર્ચાઓ રહી છે, જોકે સરકારી નિયમો અને સ્પષ્ટતા અનુસાર માત્ર વરસાદની ઘટને આધારે સીધો દુકાળ જાહેર કરવામાં આવતો નથી.ગયા વર્ષે સરેરાશ વરસાદનું પ્રમાણ ઘણું ઊંચું હોવાથી સૌથી ઓછો વરસાદ નોંધાયેલા તાલુકાઓની સંખ્યા નહિવત રહી હતી.ગુજરાત સરકારે અતિવૃષ્ટિ અને પાક નુકસાનને ધ્યાનમાં રાખીને અગાઉ ઓક્ટોબર 2025માં ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું.

206 ડેમમાં હાલમાં 65.17 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજ્યમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો, 206 ડેમમાં હાલમાં 65.17 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઝોન પ્રમાણે ડેમની સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાત ઝોનમાં 13 ડેમમાં 76.74, ઉત્તર ગુજરાત ઝોનમાં 15 ડેમમાં 43.45, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 64.78, કચ્છના 20 ડેમમાં 31.39, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 47.52 ટકા અને નર્મદા ડેમમાં 99.59 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતમાં હાલમાં 39 ડેમ હાઈ એલર્ટ પર છે. 11 ડેમમાં 90 ટકા સુધી પાણીનો જથ્થો છે, 12 ડેમમાં 80 ટકા કરતાં ઓછું પાણી છે. 144 ડેમ એવા છે જેમાં 70 ટકા કરતાં ઓછું પાણી છે. રાજ્યમાં હાલમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની તીવ્ર તંગી સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય ઝોનમાં એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી નથી. જેથી અહીંના ખેડૂતો હવે નર્મદાના નીરના ભરોસે રહી શકે છે. 

પાણી માટે રાજ્ય સરકારે શું વ્યવસ્થા કરી?

રાજ્યમાં જળસંચય અને સિંચાઈની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.જેમાં ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય 206 ડેમોમાં 65 ટકા જળ સંગ્રહ નોંધાયો છે. આગામી રવિ સિઝન માટે રાજ્યના 76 ડેમોમાંથી સિંચાઈનું પાણી આપવાનું આયોજન કરાયું છે.જ્યારે જળાશયોમાંથી નાગરિકો માટે 30 જૂન 2027 સુધી પીવાનું પૂરતું પાણી અનામત રાખવામાં આવ્યું છે.સિંચાઈ માટે ઉત્તર ગુજરાતના ધરોઈ-દાંતીવાડા સહિત 11, મધ્ય ગુજરાતના 12, દક્ષિણ ગુજરાતના ઉકાઈ, કાંકરાપાર અને દમણગંગા સહિત 9, સૌરાષ્ટ્રના શેત્રુંજી, બ્રાહ્મણી, મચ્છુ સહિત 39 અને કચ્છના 5 ડેમોમાંથી પાણી છોડાશે.ડેમોમાં પાણીની ઉપલબ્ધતાના આધારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. રાજ્ય સરકારે આ તમામ સિંચાઈ તથા પીવાના પાણીને લઈ આયોજન કર્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: ડબલ ઋતુ વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *